મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બોકરવાડા ગામમાં સરકારી આવાસ યોજનામાં મોટા કૌભાંડનો મામલો સામે આવ્યો છે. પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ લાભ લેવા માટે એક ઈસમે ખોટો આવકનો દાખલો રજૂ કરીને સરકાર સાથે છેતરપિંડી કરી હતી. બોકરવાડા ગામના વિષ્ણુ આચાર્ય નામના ઈસમે વર્ષ 2018માં આ કૌભાંડ આચર્યું હતું. તેણે બોગસ આવકનો દાખલો બનાવીને વિસનગર ટીડીઓ (તાલુકા વિકાસ અધિકારી) મારફતે આવાસ યોજનાનો લાભ મેળવ્યો હતો. આ યોજના હેઠળ તેણે રાજ્ય સરકાર પાસેથી રૂપિયા એક લાખનો આર્થિક લાભ મેળવ્યો હતો.

વિસનગરમાં આવાસ યોજનામાં કૌભાંડ
તપાસમાં જાણવા મળ્યું કે, વિષ્ણુ આચાર્યએ આવાસ યોજનાનો લાભ લેવા માટે ઓછી આવકનો દાખલો મેળવ્યો હતો, જેમાં તેણે પોતાની વાર્ષિક આવક માત્ર રૂ. 47,000 દર્શાવી હતી.જોકે, જ્યારે તેના નાણાકીય દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી ત્યારે હકીકત સામે આવી છે.વર્ષ 2018માં રૂ. 4.22 લાખનું ઇન્કમ ટેક્સ રિટર્ન (IT Return) ભર્યું હતું.વર્ષ 2019માં રૂ. 4.21 લાખનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું હતું. આમ, તેની વાસ્તવિક આવક ઘણી વધારે હોવા છતાં તેણે ખોટો ઓછી આવકનો દાખલો રજૂ કરીને સરકારી યોજનાનો ગેરકાયદેસર લાભ લીધો હતો.
તલાટીએ નોંધાવી ફરિયાદ
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં બોકરવાડાના તલાટી મંત્રી દીક્ષિત પટેલ દ્વારા વિષ્ણુ આચાર્ય વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે છેતરપિંડી અને સરકારી યોજનાના દુરુપયોગ બદલ ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
