મહેસાણામાં ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. કમોસમી વરસાદના કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે. તો હવે કેનાલમાં ગાબડું પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જે કારણે ખેડૂતોને આ સિઝનમાં પણ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કડીની માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આ ગાબડું ફુલેત્રા ગામ પાસેની પસાર થતી કેનાલનાં પડ્યું છે

.કેનાલમાં ગાબડું ભ્રષ્ટાચારના કારણે પડ્યું
ઘટનાની મળતી માહિતી અનુસાર, મહેસાણાના કડી તાલુકામાં આવેસા ફુલેત્રા ગામ પાસેથી નર્મદા કેનાલની માઈનોર શાખા પસાર થાય છે. આ કેનાલમાં ગાબડું પડવાના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જે કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. હાલ ખેડૂતો પાકને થયેલા નુકસાન સામે વળતર આપવા માટેની માંગ કરી રહ્યા છે. આ માઇનોર કેનાલમાં ગાબડું ભ્રષ્ટાચારના કારણે પડ્યું હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે.
ઘઉં, બાજરી, ભીંડા સહિતના પાકના વાવેતરને નુકસાન
આ ગાબડું પડતા 100થી વધુ વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ફરી વળતા મોંઘા ભાવના બિયારણ લાવી કરેલ વાવેતરને નુકસાન થયું છે. ઘઉં, બાજરી, ભીંડા સહિતના પાકના વાવેતરને નુકસાન થવાથી ખેડૂતોને પડ્યા પર પાટું વાગી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

