MEHSANA : જેતલપુરધામમાં ભક્તિનો ઉમંગ: રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે 51 ફૂટ ઊંચા ‘વિજયસ્તંભ’ની સ્થાપના

0
70
meetarticle

ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ.સ.2082 ફાગણવદ આઠમ 11-03-2026ના રોજ 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના ભાગરુપે નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા મોટા મહારાજ પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની 05-03-2026થી તા.11-03-2026 સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો, યજમાનો અને ગ્રામજનોની ઊપસ્થિતીમાં વિજયસ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું.  વિજયસ્તંભની ઉંચાઇ 51 ફુટ છે જેની ઉપરની બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયની ધજા લહેરાશે, આ સ્તંભને કાંસામાંથી નિર્માણ કરવામાં આવેલા છે. આ પ્રસંગે ભાવી આચાર્ય પ.પૂ. 108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજએ કહ્યું હતું કે ‘આ ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ સમાજમાં આધ્યાત્મિકતા અને સામાજિક એકતાનો સંદેશ આપશે તથા આ મહોત્સવ માત્ર એક ધાર્મિક આયોજન નહીં, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની વર્ષો જૂની પરંપરા અને સંસ્કારોને ઉજાગર કરતો એક પર્વ બની રહેશે.’આ દ્વિશતાબ્દી પાટોત્સવ દરમિયાન શ્રીમદ સત્સંગી ભૂષણ સપ્તાહ પારાયણ, 200 કુંડી મહાવિષ્ણુયાગ, પોથી યાત્રા પાલખી યાત્રા, નિત્ય ઠાકોરજીને કેસર અભિષેક, સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન, નિત્ય સમૂહ મહાપુજા, નિત્ય ગૌમાતાનું પૂજન, સાંસ્કૃતિક પ્રદર્શન, ફ્લાવર શો, નવ ધામ મંદિરોના દર્શન, ચાર વેદની ચાર યજ્ઞશાળા, ઠાકોરજીને પુષ્પ અભિષેક, ઠાકોરજીનો મહા અભિષેક, ઠાકોરજીને છપ્પન ભોગનો અન્નકૂટ, ધર્મકુળ સ્થાપના દ્વિશતાબ્દી ઉત્સવ, જેતલપુર ધામ ડૉક્યુમેન્ટરી દર્શન, ધર્મકુળ પરંપરા ડોક્યુમેન્ટરી દર્શન, લાઈટ એન્ડ સાઉન્ડ શો ઉપરાંત રેવતી બળદેવજીનો લગ્ન ઉત્સવ અને દરરોજ જુદા જુદા વિષય પર પરીસંવાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

આ મહોત્સવ નિમિત્તે સ્વામિનારાયણધામ, જેતલપુર દ્વારા મંદિર પરીસરની આસ-પાસનાં ગામમાં આવેલી શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા 15000 સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવશે. આ ભવ્ય મહોત્સવમાં દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુ ભક્તો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here