ઓડિશાના તિતલાગઢમાં ગુમ થયેલા એક બાળકનો કિસ્સો એવો ચોંકાવનારો ખુલાસો થયો જેને સાંભળીને સૌના હૃદય ધબકારા વધી ગયા. તપાસ આગળ વધી તો ખુલ્યું કે આ ભયાનક ઘટનાનો ગુનેગાર કોઈ અજાણ્યો નહીં, પણ એનું જ પોતાનું લોહી હતું.
આજના સમયમાં તો સગા સંબંધ પર પણ વિશ્વાસ કરવો એક મોટો સવાલ બની ગયો છે. એક સમય હતો, જ્યારે સગા ભાઈઓ જેવો પ્રેમ કોઈનો ન હોય, પરંતુ આજના સમયમાં સગો ભાઈ જ સગા ભાઈનો દુશ્મન બની જાય છે. આવી જ એક ઘટના સામે આવી છે ઓડિશાના બાલનગીર જિલ્લાના તિતલાગઢ વિસ્તારમાંથી, જ્યાં 12 વર્ષના નારાયણ નામના સગીર છોકરાની હત્યા તેના જ મોટા ભાઈએ કરી હોવાનો ખુલાસો થયો છે.
આ કેસ છેલ્લા કેટલાક દિવસોથી રહસ્યમય રહ્યો હતો. નાનો દીકરો અચાનક ઘરેથી ગુમ થયા બાદ, માતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, નાના દિકરાના ગુમ થયાના થોડા દિવસો બાદ માતાને પોતાના મોટા દીકરા ભૂપેશ પર શંકા થઈ અને તેણે આ અંગે પોલીસને જાણ કરી. પોલીસે ભૂપેશને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી, ત્યારે એક ચોંકાવનારી વાત મળી — ભૂપેશે ગુસ્સામાં પોતાના નાના ભાઈને 6 ઇંચ લાંબી રસોડાની છરીથી પેટમાં ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. કારણ તરીકે તેણે જણાવ્યું કે નાના ભાઈના જન્મ પછી માતા-પિતા તેને ઓછો પ્રેમ કરતા હતા અને તેને નાના ભાઈ પ્રત્યે ઈર્ષ્યા હતી.
કેવી રીતે કરી હતી હત્યા?
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે હત્યા કર્યા પછી ભૂપેશે પહેલા મૃતદેહને ઘરની પાછળ દફનાવ્યો, પરંતુ તે જ રાત્રે, લગભગ 1 વાગ્યે, તેણે માતાની સાડીની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો અને લગભગ 300-400 મીટર દૂર બીજી જગ્યાએ દફનાવી દીધો. માતાએ પોલીસને જણાવ્યું કે ઘટનના દિવસે સાંજે 6 વાગ્યે ઘરે પરત આવી ત્યારે ભૂપેશ ઘરની સફાઈ કરી રહ્યો હતો, જેનાથી શંકા વધુ થઇ હતી.
પોલીસે તપાસમાં બહાર આવ્યું
પોલીસે સ્પેશ્યલ ટીમ બનાવીને બાલનગીર, કાલાહાંડી, નુઆપાડા અને રાયપુર જિલ્લામાં શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ, મેજિસ્ટ્રેટ, મેડિકલ ટીમ અને ફોરેન્સિક ટીમની હાજરીમાં સ્થળ પર ખોદકામ કરીને મૃતદેહના અવશેષો મળ્યા. આરોપીએ હત્યામાં વપરાયેલ છરી અને દફનવિધિ માટે વપરાયેલી સાડી પણ સોંપી દીધી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.


