MORBI : હરિદર્શન ચોકડી પાસે ટ્રેલર પાછળ ડમ્પર ઘૂસી ગયું, ડ્રાઇવર-ક્લીનર ફસાયા

0
21
meetarticle

હળવદ-માળીયા હાઈવે પર આવેલી હરિદર્શન ચોકડી પાસે જોખમી બમ્પના કારણે આગળ જઈ રહેલા ટ્રેલરે ગતિ ધીમી કરી હતી, તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતા ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવતા ડમ્પર સીધું જ ટ્રેલરના પાછળના ભાગે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો પ્રચંડ હતો કે ડમ્પરનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો અને ચાલક કેબિનમાં જ લોખંડના પતરા વચ્ચે ફસાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ડમ્પર ચાલકને બહાર કાઢવા માટે બે જેસીબી મશીન અને ક્રેનની મદદ લેવી પડી હતી. આશરે એક કલાક સુધી ચાલેલી ભારે જહેમત અને રેસ્ક્યુ ઓપરેશન બાદ લોખંડના પતરા કાપીને ચાલકને બહાર કાઢવામાં સફળતા મળી હતી. ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમ દ્વારા તેને તાત્કાલિક હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર જણાતા ફરજ પરના તબીબોએ વધુ સારવાર અર્થે મોરબી રિફર કર્યો છે.

સ્થાનિક જાગૃત નાગરિકોમાં આ અકસ્માતને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, હરિદર્શન ચોકડી પાસેના આ બમ્પ અકસ્માતને નોતરી રહ્યા છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ ‘કુંભકર્ણની નિદ્રા’ માં પોઢેલા અધિકારીઓ કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી. જો આ જોખમી બમ્પને વહેલી તકે સુધારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ મોટા અકસ્માતો સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ હળવદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here