મોરબીના લગધીરપુર રોડ પર આવેલ સિરામિક ફેકટરીમાં લેબર ક્વાર્ટરમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. જેમાં લિવ ઇન રિલેશનમાં રહેતા એક પ્રેમીએ તેની પ્રેમિકાને માર મારી હત્યા કરી નાખી છે.
મોરબી લગધીરપુર ગામ નજીક આવેલ લેક્સેસ સિરામિક ફેકટરીમાં યુવતીની લાશ પડી હોવાની જાણ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ બનાવ સ્થળે પહોંચી તપાસ શરૂ કરતા મધ્યપ્રદેશની વતની પુષ્પાબેન ગંભીરસિંહ મરાવી ઉ.20ની લાશ લેબરરૂમમાંથી મળી આવી હતી. મૃતક પુષ્પાબેન મરાવીના શરીર પર ઇજાના નિશાન જોવા મળતા પોલીસે પુષ્પાબેન જેમની સાથે રહેતા હતા તેવા પ્રેમી નરેન્દ્રસિંહ કમલસિંહ ધ્રુવેલ ઉ.25ની પૂછતાછ શરૂ કરતા શરૂઆતમાં ગલ્લાતલ્લા કર્યા બાદ આરોપી નરેન્દ્રસિંહે સાંજના સમયે પુષ્પા સાથે ઝઘડો થતા માર માર્યો હોવાનું કબૂલ કર્યું હતું.

બીજી તરફ આરોપી નરેન્દ્રસિંહે પુષ્પાની હત્યાની કબૂલાત આપતા તાલુકા પોલીસ આરોપીને તાલુકા પોલીસ મથકે લાવી હતી અને વિધિવત હત્યા અંગે ગુનો નોંધી નરેન્દ્રસિંહની ધરપકડ કરી લોકઅપમાં રાખ્યો હતો. દરમિયાન વહેલી પરોઢે અચાનક નરેન્દ્રસિંહને છાતીમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેમાં નરેન્દ્રસિંહનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબીમાં લિવ ઇનમાં રહેતા પ્રેમી યુગલના મોતના ચકચારી બનાવમાં મધ્યપ્રદેશના વતની યુવક અને યુવતી ત્રણ મહિના પહેલાં મોરબી આવ્યા હતા અને સાથે રહી મજૂરી કામ કરતા હતા. આ કિસ્સામાં મૃતક નરેન્દ્રસિંહે યુવતીને પટ્ટા અને લાકડીથી માર માર્યો હોવાની પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે. જયારે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલ નરેન્દ્રસિંહનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે.

