મોરબી જિલ્લાના વાંકાનેર, શક્તિપરામાં છેલ્લા ૧૦ વર્ષથી ઘરમાં મંદિર બનાવી દોરા-ધાગા અને બી.પી., ડાયાબીટીસ સહિતના અસાધ્ય રોગો મટાડવાનો દાવો કરતી મુસ્લિમ ભુઈ હનીફા શબ્બીરભાઈ પઠાણની કપટલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સિટી પોલીસની મદદથી સફળતાપૂર્વક ભાંડાફોડ કર્યો છે. આ જાથાનો ૧૨૭૯મો સફળ પર્દાફાશ છે.

થાનગઢના રાઠોડ પરિવારે આક્ષેપ કર્યો હતો કે ભુઈના કહેવાથી તેમની માતા કમુબેન (ઉ.વ. ૫૮) એ ૧૫ વર્ષથી લેવાતી બી.પી.ની દવા બંધ કરી દીધી અને માત્ર જુવારના દાણા પીવાથી રોગ મટી જશે તેવી બાધા રાખી, જેના કારણે તા. ૨૭મી ઓક્ટોબરે તેમનું નિધન થયું હતું. અન્ય એક દર્દી ડાયાબીટીસની દવા બંધ કરવાથી હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ભુઈ હનીફા રોગ મટાડવા, સંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, છૂટાછેડા વગેરેના ઉકેલ માટે લોકો પાસેથી ₹૨,૦૦૦ થી ₹૨૦,૦૦૦ સુધીની ફી વસૂલતી હતી.
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયાની ટીમ અને પોલીસની હાજરીમાં ભુઈ હનીફાએ કબૂલાત કરી હતી કે તેની પાસે કોઈ મેડિકલ લાયસન્સ નથી અને તેણે દવા બંધ કરાવવાની ભૂલ કરી હતી. તેણીએ થાનગઢના રાઠોડ પરિવાર સહિત તમામ લોકોની માફી માંગી કાયમી ધોરણે દોરા-ધાગા અને રોગ મટાડવાની કપટલીલા બંધ કરવાની જાહેરાત કરી છે.
મોરબી જિલ્લા પોલીસ વડા, વાંકાનેર Dy.S.P. અને સિટી પોલીસે વિજ્ઞાન જાથાને ઉત્કૃષ્ઠ સહકાર આપી તાત્કાલિક પોલીસ બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. પોલીસે ભુઈની અટકાયત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
વિજ્ઞાન જાથાએ જનતાને અપીલ કરી છે કે માનતા કે શ્રદ્ધાથી દર્દનું નિવારણ થતું નથી અને માનવ જિંદગી સાથે ખિલવાડ કરતી આવી પ્રવૃત્તિઓથી દૂર રહી મેડિકલ સારવાર લેવી જોઈએ.

