આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની 9 હજારથી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઈચ્છુક મહિલાઓ આગામી તા. ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ સુધી e-HRMS વેબ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.
ગુજરાત સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની 9 હજારથી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
આંગણવાડીમાં માનવબળ વધવાથી કુપોષણ ઘટાડવા, બાળ મૃત્યુદર નિયંત્રણમાં લાવવા અને સ્થાનિક કક્ષાએ આરોગ્ય-પોષણનું સ્તર સુધારવાનો ધ્યેય સફળ થશે. આ તક રાજ્યની અનેક મહિલાઓને સ્વાવલંબી બનાવી પોતાના ઘરઆંગણે જ રોજગારીની તક આપશે. આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની જગ્યાઓ પર કામ કરવા ઈચ્છુક મહિલાઓ આગામી તા. ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ સુધી e-HRMS વેબ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.
કયા સ્થળે કેટલી જગ્યાઓ પર ભરતી ?
સ્થાનિક કક્ષાએ આરોગ્ય અને પોષણનું સ્તર ઉંચુ લાવવા માટે આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. ગુજરાતમાં જાહેર કરવામાં આવેલી માનવબળની કુલ જગ્યાઓમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૬૧૯, અમદાવાદ મહાનગરપાલિકામાં ૫૬૮, બનાસકાંઠામાં ૫૪૭, આણંદમાં ૩૯૪ અને મહેસાણામાં ૩૯૩ જેટલી મહિલાઓની પસંદગી કરવામાં આવશે.
કઇ રીતે અરજી કરી શકશો ?
આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની પદ્વતિની માર્ગદર્શિકા https://e-HRMS.gujarat.gov.in વેબસાઈટ પર મુકવામાં આવી છે. આંગણવાડીમાં અરજી કરવા માટે ગ્રામીણ સ્તરે કામ કરતા VCE મારફતે પણ ફોર્મ ભરી શકાશે. આ જગ્યાઓ માટે અરજી કરનાર મહિલાઓની જિલ્લા પ્રમાણે મેરીટ આધારે પસંદગી કરવામાં આવશે. સાથે જ અગાઉ આંગણવાડીમાં તેડાગર બહેનોની જગ્યા પર ૧૦ વર્ષ કે તેથી વધુ વર્ષનો અનુભવ હશે તેમને આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી કરવામાં અગ્રતા આપવામાં આવશે.
લાયકાત
અત્રે ઉલ્લેખનીય છે કે, આંગણવાડી કાર્યકર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૨ અથવા ધોરણ ૧૦ પાસ, AICTE માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછો બે વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે. આંગણવાડી તેડાગર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ રાખવામાં આવી છે. આ માનદસેવામાં અરજી કરવા માટે ૧૮ થી ૩૩ વર્ષની ઉંમર હોય તે મહિલા જ અરજી કરી શકે છે.
કામગીરી
પસંદગી પામેલી મહિલાઓએ સંકલિત બાળ વિકાસ સેવાઓની યોજના હેઠળ છ વર્ષથી નાના બાળકો, સર્ગભા બહેનો, ધાત્રી માતાઓ, તથા કિશોરીઓનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધારી ગુણવત્તાસભર બનાવનું સેવાકીય કામ કરવાનું છે.સ્થાનિક કક્ષાએ આરોગ્ય અને પોષણ સ્તર વધુ ઉંચુ લાવવા માટે આ બહેનોની ભૂમિકા ખૂબ જ અગત્યની સાબિત થશે. તેમના દ્વારા લાભાર્થી જૂથોને પોષણ સહાય, માતા અને બાળકોની સંભાળ, અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય વિષયક સેવાઓ જેવી કામગીરી કરવામાં આવે છે.
આંગણવાડી કાર્યકરે તેમના પોતાના જ રહેઠાણ વિસ્તારમાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત કાર્યકર તરીકે કામગીરી કરવાની હોય છે. આ કામગીરીમાં મુખ્યત્વે જન્મથી ૩ વર્ષ સુધીના બાળકોનું નિયમિત વજન, ઊંચાઈ, આરોગ્ય કર્મી સાથે રહીને આરોગ્ય તપાસ તથા ટેક હોમ રાશન પુરૂ પાડવાનું હોય છે. આ સિવાય બે સમયનો ગરમ નાસ્તો, પૂર્વ-પ્રાથમિક શિક્ષણ, સર્ગભા તથા ધાત્રી માતાને પોષણક્ષમ આહાર આપવાનો હોય છે.
આ ઉપરાંત તેમના આરોગ્ય, તપાસ, રસીકરણ, કિશોરીઓને આરોગ્ય શિક્ષણ તથા ટેક હોમ રાશન આપવાનું હોય છે. તેડાગર બહેનોએ આંગણવાડીને સ્વચ્છ રાખવા, પૌષ્ટિક નાસ્તો તૈયાર કરવા અને બાળકોને સુરક્ષિત રીતે લાવવા-લઈ જવાની જવાબદારી પણ નિભાવવાની રહેશે.


