હાલ રાજકોટમાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રહેતી અને દૂષ્કર્મનો ભોગ બનેલી 16 વર્ષીય તરૂણીને તેની માતા અને બહેન સહિત સાતેક મહિલાઓએ ધમકી આપી, મારકૂટ કરી, તેના ગુપ્તભાગે મરચાની ભુંકી નાખી ઈજા કર્યાની લોધિકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
તરૂણીએ પોલીસને જણાવ્યું કે છએક માસ પહેલાં રાજકોટ નજીકના ગામમાં સ્થિત મગફળીની મીલમાં ફુવા અર્જુને તેને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવતાં તેના પિતાએ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના 12 દિવસ બાદ તેણે નડિયાદની હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. આ કેસ અંગે તે ગઈ તા. 1ના ગોંડલ કોર્ટ ખાતે હાજર થયા બાદ કોર્ટને માતા-પિતા સાથે રહેવું નથી તેમ જણાવતાં અને રાજકોટ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં મોકલી અપાઈ હતી.
તે સુવાવડ કરવા તેના વતન નડિયાદ ગયા બાદ અઠવાડીયા પછી તેના માતા અને બહેન ઉપરાંત તેજ વિસ્તારમાં રહેતી પાંચથી છ મહિલાઓએ તેના ઘરે આવી, ગાળો દઈ, ફુવા સાથે ફરી સંબંધ રાખીશ તો તને મારી નાખીશું તેવી ધમકી આપી મારકૂટ કરી હતી. એટલું જ નહીં તેને બધાએ પકડી રાખ્યા બાદ તેના ગુપ્ત ભાગે મરચાની ભુકી નાખી ઈજાઓ કરી હતી. જો કે જે-તે સમયે આ અંગે ફરિયાદ કરી ન હતી. બાદમાં ગઈ તા. 2ના કાઉન્સેલરે તેની પુછપરછ કરતાં આ અંગેની વાત કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.


