ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક કરુણ અકસ્માત સર્જાયો છે, જેમાં એક મોટરસાયકલ ચાલકનું ટ્રકની ટક્કરથી ઘટનાસ્થળે જ મોત થયું છે. જોકે, આ ઘટનામાં રાજકીય કિન્નાખોરીનો આરોપ લાગતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, શિયાલી ગામના રહેવાસી ભોગીલાલ પરભુભાઈ વસાવા (ઉં.વ. અંદાજે ૪૦) પોતાની પત્ની ઉજમબેન સાથે બાડાબેડા નજીક આવેલા તેમના ખેતરે ઘાસચારો લેવા ગયા હતા. ઘાસ કાપીને સવારે ૧૦:૧૫ વાગ્યાના અરસામાં તેઓ મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે બાડાબેડા ત્રણ રસ્તા તરફથી એક ટ્રક પૂરઝડપે આવી અને તેમની મોટરસાયકલ પર ચઢી ગઈ. આ અકસ્માતમાં ભોગીલાલભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેમનું સ્થળ પર જ મોત થયું.
આ ઘટના બાદ મૃતકની પત્ની ઉજમબેન વસાવાએ ઝઘડિયા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે આ ટ્રક ઇરાદાપૂર્વક તેમના પતિ પર ચઢાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. ઉજમબેન વસાવાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આ ઘટના પાછળ રાજકીય કિન્નાખોરી જવાબદાર છે. પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગંભીર આરોપોને કારણે સમગ્ર પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.


