MP : 50 હજારનું દેવું ન ચૂકવી શક્યા માતા-પિતા, કોન્ટ્રાક્ટરે બાળકને 6 વર્ષ સુધી ‘બાળમજૂરી’ કરાવી

0
88
meetarticle

મધ્યપ્રદેશના બેતુલમાં માતા-પિતા 50 હજારનું દેવું ન ચૂકવી શકતા એક માસૂમ બાળકને 6 વર્ષ સુધી બંધક બનાવી રાખવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દંપતી ગંજુ ઉઈકે અને સરિતા ઉઈકેએ 2019માં હરદા જિલ્લાના ઝીરીખેડા ગામમાં મજૂરી કામ કરતી વખતે એક કોન્ટ્રાક્ટર પાસેથી 50,000 રૂપિયા ઉછીના લીધા હતા. કોન્ટ્રાક્ટર રૂપેશ શર્માએ આ દંપતી દેવું ન ચૂક્યા હોવાથી તેમના સાત વર્ષના પુત્ર ગોવિંદને બંધક બનાવી લીધો અને તેને ઢોર ચરાવવા અને ઘરકામ પર લગાવી દીધો.

માતા-પિતા ઘણી વખત પોતાના દીકરાને મુક્ત કરાવવા માટે હરદા ગયા, પરંતુ કોન્ટ્રાક્ટરે તેને પરત કરવાનો ઈનકાર કરી દીધો. તાજેતરમાં જ જન સહસ સંસ્થાના સામાજિક કાર્યકર પલ્લવી ઠાકરાકરને ગ્રામજનો પાસેથી આ અમાનવીય કૃત્યની જાણ થઈ. તેમણે કલેક્ટર અને શ્રમ વિભાગને આ અંગે જાણ કરી. ત્યારબાદ, બેતુલ વહીવટીતંત્રે એક ટીમ બનાવી અને પોલીસની મદદથી ગોવિંદને મુક્ત કરાવ્યો.

બચાવ ટીમ પહોંચતા જ કોન્ટ્રાક્ટરના ભાઈ મુકેશ શર્માએ બાળકને ખેતરોમાં મોકલીને છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટીમે તેને સુરક્ષિત રીતે બચાવી લીધો. કાર્યવાહી દરમિયાન વિવાદ પણ થયો, પરંતુ આખરે બાળકને મુક્ત કરવામાં આવ્યો. હરદા પોલીસે કોન્ટ્રાક્ટર રૂપેશ શર્મા વિરુદ્ધ બાળ મજૂરી અધિનિયમ અને કિશોર ન્યાય અધિનિયમની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે.હવે, ગોવિંદને તેના માતા-પિતાને સોંપવામાં સૌથી મોટો અવરોધ ઓળખ દસ્તાવેજોનો અભાવ છે. ગંજુ અને સરિતા પાસે તેમના પુત્રનું જન્મ પ્રમાણપત્ર પણ નથી. જિલ્લા વહીવટીતંત્રે દસ્તાવેજો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હાલમાં ગોવિંદને છિંદવાડા બાળ ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે.

માતા સરિતાએ કહ્યું કે, ‘મારા દીકરાને છોડીને આવવું એ મારા જીવનનું સૌથી મોટું દુઃખ છે. મને આશા હતી કે, રેસ્ક્યૂ પછી ગોવિંદ મારી પાસે પાછો આવી જશે, પરંતુ દસ્તાવેજોના અભાવે તેને બાળ ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here