મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના દીકરાના લગ્ન સમૂહલગ્નમાં યોજાતા ચર્ચાનો વિષય બન્યા છે. મુખ્યમંત્રીના દીકરા ડૉ. અભિમન્યુ યાદવના લગ્ન ખરગોન જિલ્લાના ખેડૂત દિનેશ પટેલ યાદવની દીકરી ડૉ. ઇશિતા યાદવ સાથે સમૂહલગ્ન સમારોહમાં થઈ રહ્યા છે. ડૉ. અભિમન્યુ યાદવ પાસે MBBS ડિગ્રીની સાથે માસ્ટર ઓફ સર્જરી ડિગ્રી પણ છે. ઇશિતા યાદવ પણ MBBS પણ છે.
ગત શુક્રવારે મુખ્યમંત્રી નિવાસ ગીતા કોલોની ખાતે માતા પૂજનની સાથે લગ્નની વિધિ શરૂ થઈ હતી. આ દરમિયાન એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં લગ્નની વિધિમાં ડૉ. અભિમન્યુ અને ડૉ. ઇશિતા બળદગાડામાં જોવા મળે છે.

સીએમ મોહન યાદવના દીકરા ઉપરાંત સમૂહલગ્ન સમારોહમાં 21 અન્ય યુગલના લગ્ન છે. રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને અન્ય અગ્રણી વ્યક્તિઓ આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. આ કારણે સમગ્ર ઉજ્જૈનમાં આ લગ્નની ચર્ચા થઈ રહી છે. બાબા રામદેવ, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મંત્રી તુલસી સિલાવટ અને અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરી સમારોહમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે.
બાબા બાગેશ્વરના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી તેમના દીકરાના લગ્ન સમૂહલગ્નમાં કરાવી રહ્યા છે. આનાથી ડેસ્ટિનેશન વેડિંગ્સનો ખર્ચ ઓછો થશે. તેનાથી દરેક વ્યક્તિ પોતાના પુત્રના લગ્ન સમૂહલગ્નમાં કરાવવાનો એક નવો ટ્રેન્ડ પણ શરૂ થશે. જ્યારે સીએમ મોહન યાદવે કહ્યું કે, ‘સમાજના દરેક વર્ગના લોકો એક સાથે આવ્યા છે અને તેઓ ગર્વની વાત કરી રહ્યા છે. ‘


