4 ઑગસ્ટ, 2025ના રોજ ભરૂચમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘મહિલા સ્વાવલંબન દિવસ’ અને *‘મહિલા સ્વરોજગાર મેળા’*નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ રોટરી ક્લબ, ભરૂચ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર, જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભરૂચના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર અને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સવંત, દહેજ પ્રતિબંધક અધિકારી પી. વી. વસાવા, પ્લેસમેન્ટ ઓફિસર જીગ્નેશભાઈ, સિનિયર ક્લાર્ક મહેશભાઈ ચૌધરી સહિત અનેક મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ કંપનીઓ જેવી કે, કેટી અપેરેલ્સ ઈન્ડિયા, એમઆરએફ લિમિટેડ, એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ, આધ્યા કન્સલ્ટન્સી, એસઆરએફ લિમિટેડ, મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ, નંદય ક્રીએસન અને આઇડીયલ લાઇટિંગ સિસ્ટમ અંકલેશ્વરે પણ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે થઈ હતી. ઉપસ્થિત અધિકારીઓએ મહિલાઓને રોજગારી અને સ્વરોજગાર અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મેળામાં 118 બહેનોએ રોજગારી માટે નોંધણી કરાવી હતી. આ ઉપરાંત, ‘વ્હાલી દિકરી યોજના’ હેઠળ 60 જેટલા મંજૂરી હુકમનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જે મહિલાઓનાં સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
કાર્યક્રમના અંતે, મહિલા અને બાળ અધિકારી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 400 થી વધુ મહિલાઓ હાજર રહી હતી, જે કાર્યક્રમની સફળતા દર્શાવે છે. કાર્યક્રમ બાદ સૌએ સાથે મળીને ભોજન લીધું હતું. આ આયોજનથી ભરૂચની મહિલાઓને સ્વાવલંબન અને આત્મનિર્ભર બનવા માટે નવી દિશા મળી છે.
REPOTER : મનિષ કંસારા



