સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભારે ભીડને પગલે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લામાં આવેલ વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ દરરોજ સરેરાશ 50 થી 60 હજાર પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી નર્મદા જિલ્લા પોલીસ દ્વારા વિશેષ એક્શનપ્લાન બનાવ્યો છે.

નર્મદા પોલીસે એક્શન લઈ એકતાનગરથી સેલંબા સુધીના માર્ગ તથા આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલે જણાવ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત આજુબાજુના પ્રવાસન વિસ્તારોમાં જિલ્લા પોલીસ, CISF તથા SRPના જવાનો દ્વારા સંયુક્ત રીતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહત્વના પ્રવેશ માર્ગો, પાર્કિંગ વિસ્તાર, પ્રવાસી સ્થળો તથા ભીડવાળા વિસ્તારોમાં વધારાની પોલીસ તૈનાત કરી સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
પ્રવાસીઓની સુરક્ષા અને સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચેકિંગ, ટ્રાફિક વ્યવસ્થાપન, સીસીટીવી મોનિટરિંગ તેમજ તાત્કાલિક પ્રતિસાદ ટીમો સક્રિય રાખવામાં આવી છે. કોઈપણ અપ્રિય ઘટના ટાળવા માટે પોલીસ વિભાગ સતર્ક રહી કામગીરી કરી રહ્યો છે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

