વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જ્યાં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તેનાથી માત્ર 4-5 કિલોમીટરના અંતરે આવેલ ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા ધીરખાડી ગામમાં ગઈકાલે (બુધવારે) એક દુઃખદ ઘટના બની હતી. ખેતરમાં કામ કરી રહેલા સ્થાનિક લોકો પર વીજળી પડતાં બે વ્યક્તિઓના કરૂણ મૃત્યુ થયા હતા, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. મૃત્યુ પામેલા પુરુષ અને મહિલાના મૃતદેહને ગઈકાલે ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને (ગુરૂવારે) તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પીએમ બાદ જ્યારે પરિવારજનોએ મૃતદેહોને ઘરે લઈ જવા માટે સરકારી ‘શબ વાહિની’ ની માંગણી કરી, ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી. જાણવા મળ્યું કે તાલુકાના વડામથક કહેવાતી ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી સબ વાહિનીની સુવિધા જ ઉપલબ્ધ નથી.હોસ્પિટલના ડોક્ટરો સાથે આ અંગે વાતચીત કરવાનો પ્રયાસ કરાતા તેમણે વાતો ટાળી હતી અને કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો. એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે સ્થાનિક આદિવાસી લોકોની જમીનો લેવામાં આવી અને તેમને વિસ્થાપિત કરવામાં આવ્યા, કરોડોના પ્રોજેક્ટ્સ બન્યા, અને દેશ-દુનિયાના લોકો તેની મુલાકાતે આવે છે.

ત્યારે માત્ર થોડાક જ કિલોમીટરના અંતરે આવેલા વિસ્તારના આકસ્મિક મૃત્યુ પામેલા ગરીબ લોકોને અંતિમ સમયે પણ સરકારી શબ વાહિની નસીબ થતી નથી. આખરે, મૃતકના પરિવારજનોને ખાનગી વાહનમાં મૃતદેહોને ‘બિન વારસી લાશ’ની જેમ ઘરે લઈ જવાની ફરજ પડી હતી. આ દ્રશ્ય સ્થાનિકો માટે ખૂબ જ દુઃખદ અને શરમજનક બાબત છે.
‘દીવા તળે અંધારું’ જેવી આ પરિસ્થિતિ સરકારના ‘સબકા સાથ, સબકા વિકાસ’ના નારા પર સવાલ ઊભા કરે છે. પ્રજા પૂછી રહી છે કે જે પ્રજા નિયમિત ટેક્સ ચૂકવે છે, તેમછતાં અહીંની પ્રજા પાયાની જરિયાતોથી વંચિત છે. સરકારમાં બેઠેલા નેતાઓ ‘શબ વાહિની’ ઉપલબ્ધ કરાવી શકતા નથી? સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલી હોસ્પિટલમાં આ મૂળભૂત સુવિધાનો અભાવ સ્થાનિક વહીવટી તંત્ર અને સરકારની સંવેદનશીલતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
