દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ અંબાલા ઍરફોર્સ સ્ટેશનમાંથી ફ્રાન્સ નિર્મિત ફાઇટર જેટ રાફેલમાં ઉડાન ભરી છે. તેમણે ઍરફોર્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અતિથિ વિશેષ રૂપે હાજરી આપી હતી. વાયુસેનાના જવાનોએ તેમને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે વાયુસેનાના પ્રમુખ એપી સિંહ પોતે પાયલટ તરીકે રાફેલ ઉડાવી રાષ્ટ્રપતિને રાફેલની સહેર કરાવી રહ્યા છે. તે અંબાલામાં ઉડાન ભરી રહ્યું છે.

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન અને પ્રોટોકલ હેઠળ સંબંધિત વિભાગોના અધિકારીઓની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશ્નર અજય સિંહ તોમરે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દિલ્હીથી હવાઈ માર્ગે અંબાલા કેન્ટોનમેન્ટ સ્થિત ઍરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. સુરક્ષાના કારણોસર ઍરફોર્સ સ્ટેશનની આસપાસ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે. ઍરફોર્સ સ્ટેશનની અંદર મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી નથી. ફક્ત અધિકૃત કર્મચારીઓને જ અંદર જવાની મંજૂરી છે.
મૂર્મુની ફાઇટર જેટમાં આ પ્રથમ ઉડાન નહીં
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ અગાઉ પણ ફાઇટર જેટ્સમાં ઉડાન ભરી નિરિક્ષણ કર્યું હતું. 8 એપ્રિલ, 2023ના રોજ મૂર્મુ આસામમાં તેજપુર ઍરફોર્સ સ્ટેશન ખાતે સુખોઈ-30 એમકેઆઇ ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરનારા ત્રીજા અને મહિલામાં બીજા રાષ્ટ્રપતિ હતાં. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને પ્રતિભા પાટિલે પણ સુખોઈ-30 એમકેઆઇ ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી.
ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઇટર જેટ ખરીદ્યા
ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઇટર જેટ ખરીદ્યા હતા. જેમાં પાંચ રાફેલ વિમાનનો પહેલો જથ્થો 27 જુલાઈ, 2020ના રોજ ભારતને પ્રાપ્ત થયો હતો. આ વિમાનો પહેલા અંબાલા એર બેઝ પર પહોંચ્યા હતા. તેઓ ફ્રાન્સના મેરિગ્નેક એર બેઝથી ઉડાન ભરી યુએઈના અલ ધ્રાફા એર બેઝ પર રોકાયા બાદ ભારતમાં પહોંચ્યા હતા.
