અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ૧૧.૫૫ કલાકના અભિજિત મૂહુર્તમાં ભવ્ય રામ મંદિરના ૧૬૧ ફૂટ ઊંચા શિખર પર ભગવા ધર્મ ધ્વજા સ્થાપિત કરી હતી. રામમંદિરના ધ્વજારોહણ સમારંભને મંદિરના નિર્માણની પૂર્ણતા અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિ માનવામાં આવે છે. આ સમયે પીએમ મોદીએ જણાવ્યું કે, રામ મંદિર પર ધર્મ ધ્વજાની સ્થાપના સાથે આજે એ યજ્ઞાની પૂર્ણાહૂતિ થઈ છે, જે ૫૦૦ વર્ષ સુધી પ્રજ્વલિત રહ્યો. સદીઓના ઘા હવે પૂરાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં વિવાહ પંચમીના દિવસે ઐતિહાસિક ધ્વજારોહણ સમારંભ પહેલાં શેષાવતાર મંદિર અને સપ્તઋષિ મંદિરોમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યાર પછી ભવ્ય રામ મંદિરમાં પીએમ મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રામ લલા અને દરબાર ગર્ભ ગૃહમાં ભગવાન રામની પૂજા-આરતી કર્યા હતા.મંદિરમાં પૂજા-અર્ચના પછી પીએમ મોદી અને સંઘના વડા મોહન ભાગવતે અભિજિત મૂહુર્ત ૧૧.૫૫ કલાકે મંદિરના ૧૬૧ ફૂટ ઊંચા શિખર પર ૪૨ ફૂટ લાંબા ધ્વજદંડ પર ત્રણ કિલો વજનની ૨૨ ફૂટ લાંબી અને ૧૧ ફૂટ પહોળી ધર્મ ધ્વજા સ્થાપિત કરી હતી. ધ્વજ પર કોવિદાર વૃક્ષ, સૂર્યવંશના રાજાઓના પ્રતીક સમાન સૂર્ય અને ઓમકારને અંકિત કરવામાં આવ્યા છે.

ભવ્ય રામ મંદિરનો ધ્વજારોહણ કાર્યક્રમ રામ મંદિરના નિર્માણનું કાર્ય પૂરું થયું હોવાનું પ્રતીક છે. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત ૭૦૦૦થી વધુ મહેમાનો હાજર હતા.
મંદિર પર ધર્મધ્વજા સ્થાપિત કર્યા પછી વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આપણે બધા જાણીએ છીએ કે રામ ભેદથી નહીં ભાવથી જોડાય છે. તેમના માટે વ્યક્તિનું કૂળ નહીં, તેમની ભક્તિ મહત્વપૂર્ણ છે. તેમને શક્તિ નહીં સહયોગ મહાન લાગે છે. આજે અમે પણ આ જ ભાવનાથી આગળ વધીએ છીએ. છેલ્લ ૧૧ વર્ષમાં મહિલા, દલિત, પછાત, અતિ-પછાત, આદિવાસી, વંચિત, ખેડૂત, શ્રમિક અને યુવાન દરેક વર્ગને વિકાસના કેન્દ્રમાં રખાયો છે.
તેમણે ઉમેર્યું કે, દેશની દરેક વ્યક્તિ દરેક વર્ગ, દરેક ક્ષેત્ર સશક્ત હશે ત્યારે સંકલ્પ સિદ્ધિમાં બધાનો પ્રયાસ લાગશે અને બધાના પ્રયાસથી જ દેશ ૨૦૪૭માં આઝાદીના ૧૦૦ વર્ષની ઊજવણી કરશે ત્યાં સુધીમાં આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે. તેમણે રામચરિત માનસની પંક્તનો ઉલ્લેખ કરતા કહ્યું, નહીં દરિદ્ર, કોઉ દુખી ના દીના. આ સંદેશો બતાવે છે કે વિકસિત ભારતની સંકલ્પનામાં કોઈ પણ દુખી અને દરિદ્ર ના રહેવો જોઈએ. આપણે આગામી ૧,૦૦૦ વર્ષ માટે ભારતનો પાયો મજબૂત કરવાનો છે, જે માત્ર વર્તમાનનું વિચારે છે તે આગામી પેઢીઓ સાથે અન્યયા કરે છે.
તેમણે ઉમેર્યુ ંકે, ભારતમાં લોર્ડ મેકોલેએ ગુલામીની માનસિક્તાનો પાયો નાંખ્યો હતો. ૨૦૩૫માં એ ઘટનાના ૨૦૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે. અમે આ દેશને ગુલામીની માનસિક્તામાંથી મુક્ત કરીને રહીશું. આ દેશનું દુર્ભાગ્ય છે કે આઝાદી પછી પણ મેકોલેની માનસિક્તા અને હીન ભાવનાથી મુક્તિ નથી મળી. રામ મંદિર બનાવવાનું સરળ છે, પરંતુ મેકોલેની માનસિક્તામાંથી મુક્તિ મુશ્કેલ છે. આપણે આ માનસિક્તામંથી મુક્તિ મેળવવાની છે. એ બાબત પણ ગુલામીની માનસિક્તા છે કે દેશમાં એક વર્ગને ભગવાન રામને નકારી કાઢ્યા છે. ત્રેતા યુગની અયોધ્યાએ દુનિયાને નીતિ આપી અને ૨૧મી સદીની અયોધ્યા દુનિયાને વિકાસનું મોડેલ આપશે.
– અયોધ્યામાં રામ મંદિર : 6 ડિસે. 1992થી 25 નવેમ્બર 2025
અયોધ્યા: ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો ૫૦૦ વર્ષનો સંઘર્ષ અંતે મંગળવારે પૂરો થયો છે. અયોધ્યામાં રામ મંદિર અંગે સેંકડો વર્ષોનો વિવાદ વર્ષ ૨૦૧૯માં પૂરો થઈ ગયો હતો, પરંતુ સંપૂર્ણ અને ભવ્ય રામ મંદિરના નિર્માણનું કરોડો રામભક્તોનું સપનું મંગળવારે પૂરું થયું હતું. વર્ષ ૧૯૯૨ની ૬ ડિસેમ્બરે કારસેવકોએ બાબરી માળખાનો ધ્વંસ કર્યો હતો અને રામ મંદિર પરિસરમાં પહેલી વખત ભગવા ધ્વજ લહેરાવ્યો હતો. જોકે, મંદિર-મસ્જિદના વિવાદ મુદ્દે ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની તરફેણમાં ચૂકાદો સંભાળવતા રામ મંદિરની સ્થાપનાનો માર્ગ મોકળો થયો હતો. ત્યાર પછી ૫ ઑગસ્ટ ૨૦૨૦ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે રામ મંદિરનું નિર્માણ શરૂ કરાયું હતું. ૨૨ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ગર્ભગૃહમાં ભગવાન રામના બાળ સ્વરૂપ ‘રામલલ્લા’ની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. જોકે, રામ મંદિરમાં અન્ય મંદિરો અને સીતા રસોઈ સહિતના સ્થળોનું નિર્માણ કાર્ય ચાલુ હતું. ૧૪ જૂન, ૨૦૨૫ના રોજ પહેલા માળ પર ભક્તો માટે રામ દરબાર ખુલ્લો મુકાયો હતો. અંતે ૨૫ નવેમ્બર ૨૦૨૫ના રોજ રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજાની સ્થાપના સાથે રામ મંદિરના નિર્માણનું કાર્ય પૂરું થયું છે.
– રામ મંદિર પર ધ્વજારોહણનું મહત્વ
અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરના ભવ્ય શિખર પર ધર્મધ્વજા ફરકાવી હતી. હિન્દુ ધર્મમાં મંદિર પર ધ્વજા ફરકાવવાની પરંપરા ખૂબ જ પ્રાચીન અને મહત્વપૂર્ણ છે. ગરુડ પુરાણ મુજબ મંદિરો પર ફરકાવાતો ધ્વજ દેવતાઓની હાજરી દર્શાવે છે અને જે દિશામા તે લહેરાય છે તે સંપૂર્ણ ક્ષેત્ર પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં મંદિરના શિખરને ધ્વજ દેવતાના મહિમા, શક્તિ અને સંરક્ષણનું પ્રતીક ગણાવાઈ છે. વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસસમાં પણ ધ્વજ, પતાકા અને તોરણોનું વર્ણન કરાયું છે.

