NATIONAL : ‘અમારી વચ્ચે કોઈ મતભેદ નથી..’ શિવકુમાર સાથે બ્રેકફાસ્ટ બાદ CM સિદ્ધારમૈયાની ચોખવટ

0
44
meetarticle

કર્ણાટકમાં ચાલી રહેલા નેતૃત્વ સંકટ વચ્ચે, નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે શનિવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નિવાસસ્થાને તેમની સાથે નાસ્તા પર મુલાકાત કરી. આ બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે કોંગ્રેસ હાઇકમાન્ડે આ મુદ્દાને ઉકેલવા માટે બંને નેતાઓને દિલ્હી બોલાવ્યાની ચર્ચા થઈ રહી હતી આ મુલાકાતનો હેતુ બંને નેતાઓ વચ્ચેના કથિત તણાવને ઘટાડવાનો અને 2023ની વિધાનસભા ચૂંટણી પછી જે સત્તા-વહેંચણી કરાર પર સહમતિ બની હતી, તેના પર પ્રારંભિક ચર્ચા કરવાનો હોવાનું માનવામાં આવે છે. 

શું કહ્યું સિદ્ધારમૈયાએ? 

બંનેએ બેઠક બાદ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચોખવટ કરતાં કહ્યું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી અને હા ભવિષ્યમાં પણ અમારી વચ્ચે કોઈ મતભેદ નહીં થાય. હાલમાં અમારું ધ્યાન 2028ની ચૂંટણીઓની તૈયારીઓ પર છે. 

 નિર્ણાયક બેઠક પહેલાંની મુલાકાત

સૂત્રોના જણાવ્યા મુજબ, હાઇકમાન્ડે અંતિમ નિર્ણય દિલ્હીમાં લેવાય તે પહેલાં બંને નેતાઓને એકબીજા સાથે વાતચીત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ મુલાકાત દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે થનારી નિર્ણાયક બેઠકથી પહેલા થઈ છે.

યતીન્દ્ર સિદ્ધારમૈયાએ વિવાદને ગણાવ્યો ભ્રમ

બીજી તરફ, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર અને કોંગ્રેસના એમએલસી યતીન્દ્રએ શુક્રવારે આ સમગ્ર વિવાદને મીડિયા દ્વારા ઊભો કરાયેલો ભ્રમ ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી કે, ‘પાર્ટી હાઇકમાન્ડે નેતૃત્વ પરિવર્તન માટે કોઈ નિર્દેશ આપ્યો નથી. યતીન્દ્ર સિદ્ધારમૈયાએ એ વાત પર પણ ભાર મૂક્યો કે અઢી વર્ષ પહેલાં 2023માં નેતૃત્વ પરિવર્તન વિશે કોઈ વચન આપવામાં આવ્યું હતું કે નહીં, તે અંગે કોઈ જાણકારી નથી, તેથી તેના વિશે અટકળો લગાવવી યોગ્ય નથી. 

હાઇકમાન્ડ બંને સાથે ચર્ચા કરશે

યતીન્દ્રએ વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસમાં કોઈ લડાઈ કે ખેંચતાણ નથી. અમારા વચ્ચે કોઈ ગેરસમજ ન હોવાથી, મને લાગે છે કે મીડિયા ખોટી ધારણા બનાવવામાં લાગેલું છે. કેટલાક લોકો ડી. કે. શિવકુમારને પદોન્નત કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ શિવકુમારે પોતે કહ્યું છે કે તેઓ પાર્ટી હાઇકમાન્ડની વાત માનશે. તેમજ આ મામલે હાઇકમાન્ડે કહ્યું છે કે તેઓ બંનેને બોલાવીને આ મુદ્દા પર ચર્ચા કરશે.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here