કેન્દ્ર સરકારનો દાવો છે કે અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા એટલે કે 100 મીટરની લિમિટને કારણે માત્ર 0.19 ટકા હિસ્સો જ ખનન માટે લાયક છે. જોકે કેન્દ્રના આ દાવાને ફગાવતી એક સ્ટડી સામે આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અરવલ્લીનો ત્રીજો હિસ્સો એટલે કે લગભગ 33 ટકા ભાગ અત્યંત જોખમભરી સ્થિતિમાં છે.

સેટેલાઇટના ડેટાના ઉપયોગથી તૈયાર કરાયેલા આ સ્વતંત્ર સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે અરવલ્લીનો 31.8 ટકા હિસ્સો એવો છે કે જે 100 મીટરની કેન્દ્રની વ્યાખ્યા હેઠળ આવે છે. એનો અર્થ એમ થયો કે 31 ટકા હિસ્સો ખનન માટે પસંદ કરવામાં આવી શકે છે જેને કારણે અરવલ્લી પર મોટું જોખમ છે. ક્લાઇમેટ વૈજ્ઞાાનિક અને પર્યાવરણ એક્ટિવિસ્ટ ડો. સુધાંશુએ કહ્યું હતું કે પોલિસી ગેપને ગંભીર રીતે ઉજાગર કરે તેવું આ સંશોધન છે. નીચી પહાડીઓ છે તેને વેસ્ટ લેન્ડ તરીકે ખોટી રીતે દર્શાવવામાં આવી રહી છે.
ખરેખર તો આ નાની પહાડીઓ જ ભુગર્ભ જળ સંગ્રહ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
હરિયાણા, રાજસ્થાન, દિલ્હીના લાખો લોકો પર પર્યાવરણ અને જળનું જોખમ વધી શકે છે. જો અરવલ્લી વિસ્તારમાં ખોદકામની છૂટ આપવામાં આવી અને ખનન થવા લાગ્યું તો રાજસ્થાનનું રણ છે તે વધવા લાગશે. થાર પ્રાંતનું પ્રમાણ વધશે.
એટલુ જ નહીં જયપુર, ગુરુગ્રામ, અને દિલ્હીના નાગરિકોને જે પીવાનું પાણી મળી રહ્યું છે તે છીનવાઇ જશે કેમ કે આ પહાડીઓ ભુગર્ભમાં જળ સંગ્રહ તરીકેનું કામ કરે છે. હાલમાં ચિત્તોડગઢ, નાગૌર, બુદી, સવાઇ માધોપુર જેવા વિસ્તારોમાં માઇનિંગ થઇ રહ્યું છે જેને તાત્કાલીક અટકાવવાની જરૂર છે કેમ કે આ વિસ્તાર પણ અરવલ્લી પર્વતમાળા હેઠળ આવે છે.

