આંધ્ર પ્રદેશના પ્રખ્યાત વેંકટેશ્વર સ્વામી મંદિરે થયેલી ધક્કામુક્કીમાં આઠ મહિલાઓ સહિત કુલ નવ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૩૦ જેટલા લોકો ઘાયલ થયા છે. એકાદશીની પૂજા કરવા માટે શનિવારે બહુ જ મોટી સંખ્યામાં લોકો મંદિરે પહોંચ્યા હતા. જોકે પ્રશાસન દ્વારા પુરતી વ્યવસ્થાના અભાવે ધક્કામુક્કી થઇ હતી જેમાં આ શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા. મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં સ્થિત કાશીબુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં શનિવારે એકાદશીના અવસર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ખાસ કરીને મહિલાઓની સંખ્યા બહુ જ વધુ હતી. મંદિરમાં આવવા જવા માટે એક જ રસ્તો છે, એક તરફ શ્રદ્ધાળુ આવી રહ્યા હતા તો એનાથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. સામસામે ભારે ભીડ વધી ગઇ હતી અને ધક્કામુક્કી થવા લાગી. જેને પગલે રેલિંગ પણ ટુટી ગઇ હતી જેથી બાદમાં નાસભાગ થવા લાગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમના પરિવારને બે લાખની સહાયની જાહેરાત કરી હતી. આ ધક્કામુક્કીમાં અનેક મહિલાઓ સ્થળ પર જ બેભાન થઇ ગઇ હતી, મોટાભાગનાના ગુંગળામણને કારણે મોત નિપજ્યા હતા. મહિલાઓ અને બાળકો બહાન નીકળવા માટે ચિસો પાડી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. વીડિયોમાં મહિલાઓ જમીન પર પડેલી જોવા મળી હતી. આંધ્ર પ્રદેશના ગૃહમંત્રી અનીતાનો દાવો છે કે આ મંદિરે સપ્તાહમાં આશરે ૧૫૦૦થી ૨૦૦૦ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. ૬૦૦ વર્ષ જુનુ આ મંદિર પ્રથમ માળે જ સ્થિત છે. જ્યાં પહોંચવા માટે માત્ર ૨૦ પગથીયા છે. આ પગથીયા પર જ ધક્કામુક્કી થઇ હતી. અન્ય એક મંત્રી સત્ય પ્રકાશે દાવો કર્યો હતો કે ઘટના સમયે મંદિરમાં અને આસપાસ ૨૫ હજાર શ્રદ્ધાળુઓ હતા.

બીજી તરફ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ સરકારનો બચાવ કરતા દાવો કર્યો હતો કે મંદિરના વ્યવસ્થાપકો દ્વારા સ્થાનિક પોલીસ કે પ્રશાસનને કોઇ જ જાણકારી આપવામાં નહોતી આવી. જો જાણ કરી હોત તો અમે ભીડને કાબુ કરવા માટે પુરતી પોલીસ સહિતની સુરક્ષા વ્યવસ્થા પુરી પાડી શક્યા હોત. આ ઘટનાની તપાસના આદેશ અપાયા છે. આ વર્ષે આંધ્ર પ્રદેશમાં મંદિરોમાં ધક્કામુક્કીની ત્રણ મોટી ઘટનાઓ સામે આવી ચુકી છે જેમાં અત્યાર સુધીમાં ૨૨ લોકોના મોત નિપજ્યા છે. એપ્રીલ મહિનામાં સિમ્હાચલમમાં શ્રી વરાહ લક્ષ્મી સ્વામી મંદિરે દિવાલ પડતા સાત લોકો માર્યા ગયા હતા. જ્યારે જાન્યુઆરીમાં તિરૂપતિમાં બાઇરાગી પટ્ટેદા મંદિરે ધક્કામુક્કીમાં છ લોકો માર્યા ગયા હતા જ્યારે ૪૦થી વધુ ઘાયલ થયા હતા.

