જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. તેની અસર ઉત્તર પ્રદેશના મેદાની પ્રદેશોમાં થઈ હતી. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના રાજ્યોમાં થઈ હતી. વહેલી સવારથી છેક બપોર સુધી ઠંડકનો અનુભવ થતો હતો. બપોરે બે-એક કલાક થોડી રાહત મળ્યા બાદ વળી સાંજથી ઠંડો પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું હતું. હિમાલયન રેન્જમાં તળાવોનું પાણી બરફમાં ફેરવાઈ ગયું હતું. કાશ્મીરમાં તો વૃક્ષો પર સવારે ઝાકળ પડયો હતો એ બરફમાં ફેરવાઈ ગયો હતો. વાતાવરણ ઠંડુગાર થઈ જતાં પાણીના પૂરવઠામાં પણ તેની અસર જોવા મળી હતી. ઉત્તરાખંડમાં તાપમાનનો પારો ગગડીને શૂન્યથી નીચે પહોંચી ગયો હોવાથી નદીઓ જામી ગઈ હતી.

જમ્મુ-કાશ્મીરમાં દેશનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. પુલવામામાં માઈનસ 5.5 ડિગ્રી, પહલગામમાં માઈનસ 4.6, કેપિટલ શ્રીનગરમાં માઈનસ 3.6, કુપવાહામાં માઈનસ 3.6 ડિગ્રી તાપમાન પહોંચી જતાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ હતી. કાશ્મીર ઘાટીમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ થયો હતો. આખાય કાશ્મીરમાં રાત્રીનું તાપમાન ખૂબ નીચું નોંધાયું હતું. હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસમાં બરફવર્ષાની શક્યતા છે. ખાસ તો કુલ્લુ, સ્પિતિ, લાહોલ, ચાંબા જેવા સ્થળોએ તાપમાનનો પારો ગગડી ગયો હતો. જોકે હિમવર્ષાના દોરને પગલે પ્રવાસીઓ ગેલમાં આવી ગયા હતા.
આ સીઝનમાં હિમાચલમાં હળવો વરસાદ થતો હોય છે,તેના બદલે આ વર્ષે વરસાદ ન થતાં સૂકો પવન વધારે ઠંડકનો અનુભવ કરાવે છે. ઉત્તરાખંડમાં ગંગોત્રીમાં નદીઓ જામી ગઈ હતી. પાણી જામી જતાં કેટલાય વિસ્તારોમાં પાણીની અછત સર્જાઈ હતી. રાજ્યમાં પાણી-પૂરવઠાની પાઈપલાઈનોમાં બરફ જામી જતાં પરેશાનીનો સામનો કરવો પડયો હતો.ઓડિશામાં સરેરાશ તાપમાન 10 ડિગ્રીથી નીચું જતાં રાજ્ય ઠંડુગાર થયું હતું. લોકોએ કામકાજ પડતાં મૂકીને ઘરમાં પૂરાઈ રહેવાનું પસંદ કર્યું હતું. ઠેર-ઠેર તાપણાં કરીને લોકોએ ઠંડી ઉડાડી હતી.
અસંખ્ય કારખાના અને પ્રોડક્શન યુનિટ કાતિલ ઠંડીના કારણે બંધ રહ્યા હતા. બિહાર, ઝારખંડ જેવા રાજ્યોમાં પણ ગાઢ ધુમ્મસની અસરથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસથી હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યો છે. પંજાબમાં લગભગ સ્થળોએ તાપમાનનો પારો સાત ડિગ્રીથી નીચો પહોંચ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સના કારણે દિલ્હીમાં ઠંડી જોઈએ એવી પડી નથી. દિલ્હીમાં મિક્સ સીઝન અનુભવાઈ હતી. બપોરે મેક્સિમમ તાપમાન 24 ડિગ્રી સુધી પહોંચી જાય છે.

