NATIONAL : એક નવો નિયમ : ‘નકલી કન્ટેન્ટ’ પર એઆઈ લખવું ફરજીયાત

0
15
meetarticle

દેશ અને દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દરેક ક્ષેત્રમાં પ્રસાર વધ્યો છે ત્યારે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એઆઈ દ્વારા બનાવાયેલા કન્ટેન્ટનો પ્રચાર-પ્રસાર પણ વધ્યો છે, પરંતુ તેનાથી ડીપફેક સહિતના અનેક જોખમો રહેલા છે. આથી સરકારે  હવે એઆઈથી બનેલા કન્ટેન્ટ અંગે નવા નિયમો બનાવ્યા છે. સરકારે આ નિયમો જાહેર કરી દીધા છે, જેનો અમલ ૨૦ ફેબ્રુઆરીથી થશે. આ નિયમો મુજબ હવે એઆઈ દ્વારા બનાવાયેલા કન્ટેન્ટ પર ‘એઆઈ જનરેટેડ’નું લેબલ લગાવવું પડશે તથા વાંધાજનક કન્ટેન્ટ ત્રણ કલાકમાં હટાવવું પડશે.સોશિયલ મીડિયા પર એઆઈ આધારિત કન્ટેન્ટનો પ્રચાર પ્રસાર વધવાની સાથે ડીપફેક વીડિયો, નકલી તસવીરો અને નકલી ઓડિયોવાળા કન્ટેન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે. આવા સમયમાં સામાન્ય જનતાને કોઈ વીડિયો એઆઈ આધારિત છે કે વાસ્તવિક તે સમજવું ઘણું મુશ્કેલ થાય છે. આ કારણોથી ખોટી માહિતીનો પ્રસાર, બદનામી અથવા છેતરપિંડીના કેસો સતત વધી રહ્યા છે. આ ગેરકાયદે પ્રવૃત્તીઓને ડામવા માટે સરકાર હવે એઆઈ આધારિત કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે નવા નિયમો લઈને આવી છે.

સરકારે હવે સિન્થેટિક કન્ટેન્ટની સ્પષ્ટ પરિભાષા આપી છે, જે મુજબ તેનો અર્થ એવા ઓડિયો, વીડિયો, ફોટો અથવા વિઝ્યુઅલ્સથી છે, જે કમ્પ્યુટર અથવા અલ્ગોરિધમથી બનાવાયા હોય અને જોવામાં એકદમ અસલી લાગે. એટલે કે એવું કન્ટેન્ટ જે કોઈ માણસ અથવા ઘટનાને એવી રીતે બતાવે કે લોકો તેને સાચી માની લે. જોકે, સાધારણ એડિટિંગ, કલરમાં સુધારા, અનુવાદ અથવા ડોક્યુમેન્ટ તૈયાર કરવા વગેરે જ્યાં સુધી કોઈ નકલી અથવા ભ્રામક રેકોર્ડ ના બને ત્યાં સુધી આ નિયમોના દાયરામાં નથી આવતા.

એઆઈ સંબંધિત નિયમોમાં સૌથી મોટું પરિવર્તન એ છે કે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મે એઆઈથી બનેલા ખોટા અથવા ગેરકાયદે કન્ટેન્ટને ત્રણ કલાકની અંદર હટાવવા પડશે. અગાઉ આ સમય મર્યાદા ૩૬ કલાક હતી. એટલે કે હવે કોઈ પ્લેટફોર્મને ખ્યાલ આવે કે કોઈ ડીપફેક વીડિયો, નકલી દસ્તાવેજ અથવા ઉશ્કેરણીજનક એઆઈ કન્ટેન્ટ ફેલાવી રહ્યું છે તો તેમણે તુરંત પગલાં લેવા પડશે. સરકારનું માનવું છે કે વિલંબથી હટાવવા પર નુકસાન થઈ ચૂક્યું હોય છે.

સરકારે જણાવ્યું ક, સોશિયલ મીડિયા કંપનીઓએ પ્રત્યેક ત્રણ મહિનામાં યુઝર્સને નિયમોની માહિતી આપવી પડશે. યુઝર્સને સ્પષ્ટ કહેવું પડશે કે એઆઈથી બનેલા ગેરકાયદે અથવા વાંધાજનક કન્ટેન્ટ શૅર કરવા પર આઈટી એક્ટ, નવા ક્રિમિનલ કાયદા, પોક્સો અને અન્ય કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે. નવા નિયમોમાં ઓળખ અને લેબલિંગની અન્ય પણ એક મહત્વની બાબત સામેલ છે. સોશિયલ મીડિયા કંપનીઓએ એવા ટૂલ્સ લગાવવા પડશે, જે આઈથી બનેલા કન્ટેન્ટની ઓળખ સાબિત કરે.

સોશિયલ મીડિયા કંપનીઓએ એવા ટૂલ્સ લગાવવા પડશે, જે એઆઈથી બનેલા કન્ટેન્ટની ઓળખ કરી શકે. એવા કન્ટેન્ટ પર સ્પષ્ટ લેબલ બતાવવું પડશે. તેની સાથે એક ડિજિટલ ઓળખ અથવા મેટાડેટા જોડવા પડશે, જેને હટાવી ના શકાય. આ સંદર્ભમાં સરકારનો આશય એવો છે કે કોઈપણ એઆઈ કન્ટેન્ટ લેબલ વિના ફરતું ના રહે.

સરકારનું કહેવું છે કે આ નિયમોથી નકલી સમાચારો, ડીપફેક અને ભ્રામક પ્રોપેગેંડા ફાલતા અટકશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોકોનો વિશ્વાસ વધશે. પરંતુ બીજીબાજુ કંપનીઓએ ટેક્નોલોજીમાં મોટાપાયે રોકાણ કરવું પડશે. એઆઈ કન્ટેન્ટ ઓળખતી સિસ્ટમ બનાવવી પડશે. કંપનીઓ માટે દરેક પોસ્ટ પર નજર રાખવી મુશ્કેલ બનશે. જોકે, નવા નિયમો જમીની સ્તર પર કેટલા અસરકારક છે તે આગામી સમયમાં દેખાઈ આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here