ભારતીય ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) અભિયાન હેઠળ દેશનાં ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મતદાર યાદીમાંથી લગભગ ૫.૨ કરોડ અયોગ્ય મતદારોનાં નામ હટાવી દીધા છે. હટાવવામાં આવેલા મતદારોની સંખ્યા કુલ મતદારોનાં ૧૦.૨ ટકા છે.

ચૂંટણી પંચનાં જણાવ્યા અનુસાર આ અભિયાન મતદાર યાદીને નિયમિત કરવાના ઉદ્દેશથી ચલાવવામા આવ્યું હતું. જેમાં ગેરહાજર, ટ્રાન્સફર, મૃત્યુ, ડબલ રજિસ્ટ્રેશન અને અન્ય અયોગ્ય મતદારોનાં નામ હટાવવામાં આવ્યા છે. જેથી નકલી મતદાનનો અવકાશ સમાપ્ત થઇ જાય.ચૂંટણી પંચે જણાવ્યું હતું કે એસઆઇઆરનો પ્રથમ તબક્કો બિહારમાં શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને તમિલનાડુ જેવા ૧૧ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં એસઆઇઆર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
અભિયાન દરમિયાન કુલ ૫૧ કરોડ મતદારોની તપાસ કરવામાં આવી હતી. જે પછી ૧૦.૨ ટકા નામ ગેરહાજર, મૃત્યુ કે ડબલ હોવાનાં કારણે દૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે આ પગલું મતદાર યાદીને શુદ્ધ અને સચોટ બનાવવાનાં ઉદ્દેશથી ભર્યુ છે.
આ પ્રક્રિયામાં અંદમાન-નિકોબારથી લઇને કેરળ સુધી ચૂંટણી ડેટાની તપાસ કરવામાં આવી હતી અને લાખો નવા નામ પણ જોડવામાં આવ્યા હતાં. આંકડાઓ અનુસાર અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં સૌથી વધારે ૧૬.૬ ટકા નામ દૂર કરવામાં આવ્યા છે.
ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં ૧૩.૨ ટકા અને ગુજરાતમાં ૧૩.૧ ટકા નામ દૂર કરવામાં આવ્યા હતાં. છત્તીસગઢમાં ૧૧.૩ ટકા નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. બંગાળમાં આ ટકાવારી ૧૦.૯ ટકા રહી છે. બંગાળમાં જ્યુડિશિયલ પ્રક્રિયા હેઠળ ૨૭ લાખ નામ દૂર કરવામાં આવ્યા છે. આ રાજ્યોમાં મોટી સંખ્યામાં એવા લોકો હતાં જે સ્થાયી ધોરણે ટ્રાન્સફર થઇ ગયા હતાં અને અથવા મૃત્યુ પામ્યા હતાં. ચૂંટણી પંચે નામ હટાવવાની સાથે ૨ કરોડ નવા નામો મતદાર યાદીમાં સામેલ પણ કર્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ ૯૨.૪ લાખ નવા મતદારો સાથે પ્રથમ સ્થાને છે. ઉત્તર પ્રદેશ પછી તમિલનાડુમાં ૩૫ લાખ, કેરળમાં ૨૦.૪ લાખ અને રાજસ્થાનમાં ૧૫.૪ લાખ નવા નામ સામેલ કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશમાં ૧૨.૯ લાખ અને ગુજરાતમાં ૧૨ લાખથી વધારે નવા મતદારોનાં નામ સામેલ કરવામાં આવ્યા છે.

