ઈ-કોમર્સ કંપનીઓની ચાલાકીઓ પર સરકાર હવે લાલ આંખ કરી છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે, કેશ ઓન ડિલિવરી (COD) પર એક્સ્ટ્રા ફી વસૂલતા પ્લેટફોર્મ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કેમ વધ્યો વિવાદ
ઘણી ઈ-કોમર્સ કંપનીઓ ઓનલાઈન પેમેન્ટના બદલે COD પસંદ કરવા બદલ ગ્રાહકો પાસેથી અલગ-અલગ નામે એક્સ્ટ્રા ફી વસૂલી રહી છે. તાજેતરમાં જ એક યુઝરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે મેં ઓફર હેન્ડલિંગ ફી, પેમેન્ટ હેન્ડલિંગ ફી અને પ્રોટેક્ટ પ્રોમિસ ફીના નામે 226 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ કર્યો.
યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘જેમ ઝોમેટો, સ્વિગી અને ઝેપ્ટો વરસાદ માટે ચાર્જ લે છે, તેવી જ રીતે ફ્લિપકાર્ટે નવા ચાર્જ કાઢ્યા છે. ઓફર હેન્ડલિંગ ફી (કંપનીએ ખુદ ઓફર આપી), પેમેન્ટ હેન્ડલિંગ ફી (ચુકવણી કરવા પર પણ ફી), અને પ્રોટેક્ટ પ્રોમિસ ફી (કોનાથી રક્ષણ). આગામી વખતે કદાચ સ્ક્રોલિંગ એપ ફી પણ આવી જશે.
સરકારનો જવાબ
આ પોસ્ટ પર ખુદ મંત્રી પ્રહલાદ જોશીએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, આવા મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સે ફરિયાદો નોંધી છે અને આ કંપનીઓની તપાસ શરૂ કરી દીધી છે. જે પણ પ્લેટફોર્મ ગ્રાહકોને ગેરમાર્ગે દોરશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
શું હોય છે ડાર્ક પેટર્ન્સ?
ડાર્ક પેટર્ન્સ એ એવી પદ્ધતિઓ છે જેનો ઉપયોગ કંપનીઓ ગ્રાહકોને જાણ કર્યા વગર પૈસા કે ડેટા કઢાવવાની ચાલાકી કરે છે.
– જેમ કે એવું દર્શાવવું કે કોઈ પ્રોડક્ટ સ્ટોકમાં ફક્ત 1-2 જ બાકી છે, જ્યારે વાસ્તવમાં ઘણા બધા ઉપલબ્ધ હોય છે.
– અથવા તો ઓફર માત્ર 20 મિનિટમાં પૂરી થઈ જશે, જેવી નકલી ડેડલાઈન બનાવવી.
– ઘણી વાર લાંબી લિસ્ટમાં છુપાવીને છુપાયેલો ચાર્જ લગાવવો પણ આનો જ ભાગ છે.
સરકારની પહેલાથી ચેતવણી
કેન્દ્ર સરકારે અગાઉ પણ ઈ-કોમર્સ કંપનીઓને ચેતવણી આપી હતી અને મીટિંગ બોલાવીને કહ્યું કે, તમે આવી ભ્રામક પદ્ધતિથી બચો. હવે મંત્રાલય ગ્રાહક અધિકારોના રક્ષણ માટે કડક કાયદા લાવવા માટે કામ કરી રહ્યું છે.

