NATIONAL : કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજૂનો વળતો પ્રહાર

0
19
meetarticle

મહિલા અનામત બિલ લોકસભામાં પસાર ન થતાં કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ હંમેશા મહિલાઓની વિરુદ્ધ રહી છે અને હવે તેમના પર ‘મહિલા વિરોધી’ હોવાનો એવો ડાઘ લાગ્યો છે જે ક્યારેય ભૂંસાશે નહીં. રિજિજૂએ ચેતવણી આપી કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ હવે દેશની મહિલાઓના આક્રોશનો સામનો કરવો પડશે. તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે વિપક્ષની નકારાત્મક માનસિકતાને કારણે દેશની અડધી વસ્તીને મોટું નુકસાન થયું છે.

બિલ પસાર ન થતાં સરકારમાં નારાજગી

કેન્દ્રીય મંત્રીએ આકરા શબ્દોમાં કહ્યું કે, ‘મહિલાઓને તેમનો અધિકાર ન આપીને ઉજવણી કરવી એ ઘોર પાપ છે.’ તેમણે સવાલ ઉઠાવ્યો કે દુનિયામાં એવી કઈ પાર્ટી છે જે મહિલાઓને તેમના હકથી વંચિત રાખીને તેને પોતાની જીત માનીને ઉત્સવ મનાવતી હોય? રિજિજૂએ સ્પષ્ટ કર્યું કે મહિલાઓને અનામત આપવું એ આપણા સૌની જવાબદારી છે.

વિપક્ષ મહિલા વિરોધી હોવાનો આક્ષેપ

રિજિજૂએ વધુમાં માહિતી આપી કે નારી શક્તિ વંદન અધિનિયમ અને સીમાંકન સુધારો બિલ રજૂ કરવા માટે જ બજેટ સત્રને ખાસ ત્રણ દિવસ લંબાવવામાં આવ્યું હતું. સરકાર પાસે સાદી બહુમતી તો છે, પરંતુ બંધારણીય સુધારા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન હોવાથી આ બિલ પસાર થઈ શક્યું નથી. લોકસભામાં સરકારના અન્ય તમામ બિલ મંજૂર થઈ ગયા છે, પરંતુ માત્ર મહિલાઓના હિત સાથે જોડાયેલું આ બિલ વિપક્ષના અસહકારને કારણે અટકી પડ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here