પ્રસિદ્ધ કથાવાચક અને ધર્મગુરુ ગણાવતા ઉત્તમ સ્વામી સામે એક યુવતીએ ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતીએ ઈ-મેલ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ધર્મ અને આસ્થાનો ભરોસો આપીને તેના પર માનસિક પ્રભાવ પાડીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

પ્રસિદ્ધ કથાકાર છે કથિત આરોપી
ફરિયાદમાં યુવતીનો દાવો છે કે, ઉત્તમ સ્વામી પોતાને આધ્યાત્મિક ગુરુ ગણાવે છે અને સમાજમાં તેમનો ઘણો પ્રભાવ છે. યુવતીના જણાવ્યા અનુસાર, જ્યારે તેમને ખબર પડી કે તે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહી છે, ત્યારે તેને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ધમકીઓ મળવા લાગી હતી. જેથી તે એફઆઈઆર (FIR) નોંધાવે નહીં.
સાક્ષીઓને પ્રભાવિત કરવાની આશંકા
યુવતીએ પોતાની ફરિયાદમાં આશંકા વ્યક્ત કરી છે કે, આ કેસના સાક્ષીઓને પ્રભાવિત કરવામાં આવી શકે છે. સાથે જ તેણે દાવો કર્યો છે કે, તેને સતત ડરાવવામાં અને ધમકાવવામાં આવી રહી છે. આ ઉપરાંત પુરાવાઓ સાથે છેડછાડ થવાની પણ શક્યતા છે. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આરોપી પાસે એવા સમર્થકો છે.. જે તેની હિલચાલ અને લોકેશનની માહિતી મેળવી શકે છે, જેના કારણે તેની સુરક્ષા જોખમમાં છે.
પોલીસ પાસે સુરક્ષાની માંગ
યુવતીએ પોલીસ પાસે 24 કલાક સુરક્ષા (પોલીસ પ્રોટેક્શન) પૂરી પાડવાની માંગ કરી છે. આ સાથે જ તેણે વિનંતી કરી છે કે, તેની ઓળખ અને હાલના રહેઠાણની વિગતો ‘સીલબંધ’ (Sealed Cover) રાખવામાં આવે. જેથી તેની અંગત માહિતી જાહેર ન થાય. હાલમાં આ મામલે આગળની કાર્યવાહી અંગે પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ફરિયાદના આધારે તપાસ પ્રક્રિયા આગળ વધી શકે છે. બીજી તરફ, ઉત્તમ સ્વામી તરફથી પણ અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
