ભારતમાં એરલાઇન ઉદ્યોગની બરોબરની માઠી દશા બેઠી લાગે છે. ડિસેમ્બરમાં ઇન્ડિગાના ફિયાસ્કાના લીધે હજારો પ્રવાસીઓ હેરાન થયા હતા.હવે યુદ્ધના કારણે જેટ ફ્યુઅલના ભાવ જેટ વેગે વધતા એરલાઇન કંપનીઓને જબરદસ્ત ફટકો પડયો છે. ૨૦મી ફેબ્રુઆરીના રોજ જેટ ફ્યુઅલનો ભાવ પ્રતિ બેરલ ૯૫.૯ ડોલર હતો જે ૨૦ માર્ચ ૨૦૨૬ના અંતે ૧૦૫ ટકા વધી ૧૯૭ ડોલર થઈ ગયો છે.

લગભગ ચાર અઠવાડિયા એટલેકે એક જ મહિનામાં જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા જંગી વધારાના લીધે આખું એરલાઇન સેક્ટર હચમચી ઉઠયું છે. એરલાઇન કંપનીઓ ઊંચા કાર્યકારી ખર્ચ, ભાડાંવધારા અને માંગ પરના જોખમને લઈને ચેતવણી આપી રહી છે.
જેટ ફ્યુઅલના ભાવમાં જંગી વધારાથી સર્જાયેલા જબરદસ્ત નાણાકીય દબાણના લીધે એરલાઇન કંપનીઓએ સરકાર પાસે વેરામાં અને એરપોર્ટ સંલગ્ન ચાર્જિસમાં રાહત માંગી છે.
ઉદ્યોગના વર્તુળોના જણાવ્યા મુજબ વિમાની કંપનીઓએ ઇંધણખર્ચમાં થયેલા વધારાને ભરપાઈ કરવા પાર્કિંગ અને લેન્ડિંગ ચાર્જિસમાંથી રાહત માંગી છે. ભારતમાંહેવી ટ્રાફિકવાળા એરપોર્ટનું ખાનગી કંપનીઓ સંચાલન કરે છે. તેઓ વિમાની કંપનીઓને લાગેલા આ ઇંધણના આંચકાને પચાવવા તેમને કોઈપણ પ્રકારની મદદ કરે તેમ લાગતું નથી. આ સંજોગોમાં એરલાઇનની રાહત વધુ કફોડી થઈ શકે તેમ છે.
હાલમાં એરલાઇન કંપનીઓને બેવડા ફટકાનો સામનો કરવો પડી રહ્યો છે. એકબાજુએ ઇંધણ ખર્ચમાંવધારોથયો છે અને બીજી બાજુએ એરલાઇનોએ હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવતા તેમની કામગીરી મર્યાદિત કરવી પડી છે.
હવે એરલાઇનોએ તેમના માર્જિન જાળવી રાખવા હોય તા ભાવ વધારવા પડે, પરંતુ જો ભાવ વધે તો પેસેન્જર જતાં રહે. ભારતમાં હવાઈ ઉડ્ડયનનું બજાર ભાવસંવેદી છે. ઉદ્યોગના એક્ઝિક્યુટિવોએ ચેતવણી આપી છે કે જો ઇંધણના ઊંચા ભાવ લાંબો સમય જળવાયેલા રહ્યા, ભૂરાજકીય અનિશ્ચિતતા જોવા મળી તો ટ્રાવેલ સેન્ટિમેન્ટ ખરડાઈ શકે છે. હાલમાં તો યુદ્ધનો કોઈ ઉકેલ દેખાતો નથી. એરલાઇનોએ અનિશ્ચિતતાની સ્થિતિમાં અવિરત ઉડાન જારી રાખવી પડશે અને ક્રેશ લેન્ડિંગ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે.

