હવે ‘ગોલ્ડન સિટી’ જેસલમેરમાં ફરવું મોંઘુ પડશે. જો તમે પણ રાજસ્થાનના જેસલમેર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે તમારા ખિસ્સા ઢીલા કરવા પડશે. વાસ્તવમાં શહેરની મ્યુનિસિપલ કાઉન્સિલે શહેરમાં પ્રવેશતા વાહનો પર ‘પેસેન્જર ટેક્સ’ લાદવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓએ જણાવ્યું કે, ‘કાઉન્સિલની પહેલને સ્થાનિક સ્વરાજ્ય વિભાગ તરફથી મંજૂરી મળી ગઈ છે, જે હેઠળ પ્રાઈવેટ ગાડી અથવા ટેક્સીમાં આવતા પ્રવાસીઓને નક્કી કરવામાં આવેલ પ્રવેશ બિંદુ પર આ ટેક્સ ચૂકવવાનો રહેશે. બાડમેર રોડ અને જોધપુર રોડ પર ટોલ બૂથ બનાવવામાં આવશે, વાહનોએ શહેરની હદમાં પ્રવેશતાની સાથે જ આ ટેક્સ ચૂકવવાનો રહેશે.’

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પેસેન્જર ટેક્સના દર નક્કી કરી લેવામાં આવ્યા છે, જે હેઠળ 35 સીટર બસ માટે 200 રૂપિયા, 25 સીટર બસ માટે 150 રૂપિયા, પાંચ સીટર કાર માટે 100 રૂપિયા અને ટેક્સીઓ અને અન્ય કાર માટે 50 રૂપિયા ચૂકવવા પડશે. જેસલમેર મ્યુનિસિપલ કાઉન્સિલના કમિશનર લજપાલ સિંહ સોઢાએ જણાવ્યું કે, ‘દર વર્ષે હજારો પ્રવાસીઓ જેસલમેરની મુલાકાતે આવે છે, જેના કારણે માળખાગત સુવિધાઓ પર દબાણ પડે છે. મ્યુનિસિપલ કાઉન્સિલને મૂળભૂત સુવિધાઓની જાળવણી માટે આવક નથી મળતી. રાજ્ય સરકારના નિર્દેશો બાદ કાઉન્સિલે જેસલમેરમાં આવતા વાહનો પર ટેક્સ લાદવાનો નિર્ણય લીધો છે. નવો ટેક્સ ગેઝેટ નોટિફિકેશન લાગુ થયા પછી અમલમાં આવશે.’
સોઢાએ કહ્યું કે, ‘કાઉન્સિલ ટેક્સ કલેક્શન સિસ્ટમને ડિજિટાઇઝ કરવાની યોજના બનાવી રહી છે જેથી લોકોને કોઈ પરેશાની ન થાય. આ પ્રસ્તાવિત ટેક્સ સોનાર કિલ્લો, પટવોં કી હવેલી, બડા બાગ, કુલધરા અને સમ સેન્ડ ડ્યૂન્સ જેવા મુખ્ય પર્યટન સ્થળોની પ્રવેશ ટિકિટ ઉપરાંતનો હશે.’ મ્યુનિસિપલ કાઉન્સિલે કહ્યું કે, ‘આ ટેક્સનો હેતુ નાગરિક સેવાઓમાં સુધારો કરવાનો અને પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિકનું સંચાલન કરવાનો છે. સોનાર કિલ્લા નજીક ખાનગી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને ભીડ ઓછી કરવા અને દુર્ઘટનાઓ ઘટાડવા માટે શહેરના 10 પ્રમુખ ઈન્ટરસેક્શન પર ટ્રાફિક સિગ્નલ પણ લગાવવામાં આવશે.’
