બિહારમાં છ ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી રાજ્યમાં વિભિન્ન એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ અત્યાર સુધી કુલ ૬૪.૧૩ કરોડ રૂપિયાનું દારૂ, રોકડ, માદક પદાર્થો અને અન્ય લોભામણી વસ્તુઓ જપ્ત કરી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બિહારમાં એન્ફોર્સમેન્ટ એજન્સી તરફથી જપ્ત કરવામાં આવેલ દારૂની કીંમત ૨૩.૪૧ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં સંપૂર્ણ દારૂબંદી અમલમાં છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે છ ઓક્ટોબરથી અત્યાર સુધી પોલીસ અને અન્ય સંબધિત એજન્સીઓએ ૭૫૩ લોકોની ધરપકડ કરી છે અને ૧૩,૫૮૭ બિન જામીનપાત્ર વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યા છે.
મુખ્ય ચૂંટણી અધિકારી (સીઇઓ)ની ઓફિસ દ્વારા જારી આંકડાઓ અનુસાર છ ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી સમગ્ર રાજ્યમાં રોકડ, દારૂ, માદક પદાર્થો અને અન્ય લોભામણી વસ્તુઓનાં સ્વરૂપમાં કુલ ૬૪.૧૩ કરોડ રૂપિયાની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
આંકડાઓ અનુસાર જપ્ત કરવામાં આવેલી વસ્તુઓમાં ૨૩.૪૧ કરોડ રૂપિયાનું દારૂ, ૧૪ કરોડ રૂપિયાની લોભામણી વસ્તુઓ, ૧૬.૮૮ કરોડ રૂપિયાના માદક પદાર્થો અને ૪.૧૯ કરોડ રૂપિયાની રોકડ સામેલ છે.
ચૂંટણી પંચે અગાઉ જ વિભિન્ન એન્ફોેર્સમેન્ટ એજન્સીઓને નિર્દેશ આપ્યા છે કે તે ચૂંટણીઓમાં ધનનાં દુરુપયોગને રોકવા માટે તપાસ વધારી દે.

