નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ રાજધાની દિલ્હીમાં મોટી કાર્યવાહી કરતા ૨૬૨ કરોડ રૂપિયાથી વધુનુ ડ્રગ્સ જપ્ત કર્યું છે. એક ફાર્મહાઉસ પર દરોડા દરમિયાન મળેલી લીડના આધારે સતત ત્રણ દિવસ સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો ખુલાસો થયો છે. પુરી ગેંગ વિદેશી ઓપરેટર્સના આદેશ પર કામ કરી રહી હતી.

દિલ્હી પાસેના ફાર્મ હાઉસ પર દરોડા બાદ દિલ્હી-એનસીઆરમાં અનેક સ્થળોએ ચેકિંગ વધારી દેવાયું હતું અને શંકાસ્પદોને ટ્રેક કરવામાં આવ્યા હતા. એનસીબીએ આ ઓપરેશન દરમિયાન ૨૫ વર્ષીય શેન વારિસની ધરપકડ કરી હતી.તે મૂળ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના મંગરૌલી ગામનો રહેવાસી છે. ધરપકડ કરાઇ તે સમયે શેન નોઇડા સ્થિત સેક્ટર ૫માં હતો, અહીંયા તે એક ભાડાના મકાનમાં રહેતો હતો અને એક કંપનીમાં સેલ્સ મેનેજરનું પદ પણ સંભાળતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે શેન પોતાના બોસના આદેશ પર ફેક સિમ કાર્ડ, વોટ્સએપ વગેરેનો ઉપયોગ કરતો હતો.
શેનની પાસેથી મળેલી માહિતીના આધારે એનસીબીએ ૨૦ નવેમ્બરના રોજ છતરપુર એન્ક્લેવ ફેઝ-૨ના એક ઘરમાં દરોડા પાડયા હતા જ્યાંથી ૩૨૮.૫૪ કિલો મેથામ્ફેટામિન જપ્ત કરાયું હતું. જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિમત ૨૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું મનાઇ રહ્યું છે. આટલી મોટી માત્રામાં સિંથેટિક ડ્રગ્સની જપ્તીને એજન્સીએ તાજેતરના વર્ષોમાં સૌથી મોટી સફળતા પણ ગણાવી છે. શેન પાસેથી મળેલી માહિતીના આધારે ન માત્ર ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું સાથે સાથે નેટવર્કમાં વિદેશી લિંક, સ્થાનિક ગેંગ વગેરેની માહિતી પણ મળી છે. પૂછપરછમાં એક મહિલા એસ્ટર કિમીનીનું નામ પણ સામે આવ્યું છે. જેના દ્વારા ડ્રગ્સની હેરાફેરી થઇ હતી.

