દિવાળીના તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દિવાળીના વેકેશનમાં છેલ્લી ઘડીએ બહાર ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોવ તો તોતિંગ એરફેર અને ટ્રેનોમાં લાંબા વેઇટિંગનો સામનો કરવો પડશે. હાલ અમદાવાદ-દિલ્હીનું વન-વે એરફેર રૂપિયા 25 હજારે પહોંચી ગયું છે, જ્યારે અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનમાં 25 ઓક્ટોબર સુધી ‘રિગ્રેટ’ એટલે કે ટિકિટ માટે અસમર્થતા દર્શાવી દેવામાં આવી છે.
આગામી 18 ઓક્ટોબરથી દિવાળીના તહેવારોનો પ્રારંભ થશે અને તેને લઇને જુલાઇથી જ બૂકિંગનો ધસારો શરૂ થઇ ગયો હતો. અમદાવાદ-દિલ્હીનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૂપિયા 4500ની આસપાસ હોય છે પણ 18 ઓક્ટોબરના લઘુતમ એરફેર રૂપિયા 11300-મહત્તમ એરફેર રૂપિયા 24649 છે. ફ્લાઇટના ઊંચા ભાડા જોઇને ટ્રેનમાં જવાનું વિચારી રહ્યા હોવ તો ત્યાં પણ સ્થિતિ વિકટ જ છે. ટ્રેનમાં આશ્રમ એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસમાં ‘રિગ્રેટ’ આવી ગયું છે, જ્યારે રાજધાનીમાં 225નું વેઇટિંગ છે.

અયોધ્યાનું એરફેર વધીને રૂપિયા 18 હજાર જ્યારે વારાણસીનું એરફેર રૂપિયા 22 હજાર છે. વારાણસીમાં પણ ટ્રેનમાં 131 જેટલું વેઇટિંગ છે. ટ્રાવેલ એજન્ટના મતે આગામી 18થી 28 ઓક્ટોબર સુધી ઉત્તર ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનમાં ‘નો રૂમ’ની સ્થિતિ છે. કોલકાતા તરફ જતી ટ્રેનમાં પણ વેઇટિંગ 200 થઇ ગયું છે. એક ટ્રાવેલ એજન્ટે જણાવ્યું કે, ‘અનેક એરલાઈન્સ તેમજ એજન્ટો હાલ એર ટિકિટ પોતાની પાસે બ્લોક કરી દે છે. આ પછી તેઓ કિંમત-ડિમાન્ડ વધે તેમ વેચવા કાઢે છે. ગયા વર્ષે આ પ્રકારનો તેમનો ખેલ ઊંધો પડતાં દિવાળીના દિવસે ડિસ્કાઉન્ટથી ટિકિટ વેચવા કાઢવી પડી હતી.’

