હવામાન વિભાગે દેશમાં અસહ્ય ગરમી અને લૂની ચેતવણી આપતા કહ્યું હતું કે ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ તીવ્ર ગરમી પડી રહી છે. મહારાષ્ટ્રના કેટલાય જિલ્લામાં એકાએક તાપમાન વધી જતાં એલર્ટ આપવામાં આવ્યો છે. વિદર્ભનું અકોલા શહેર ૪૪ ડિગ્રી તાપમાન સાથે વિશ્વના સૌથી ગરમ શહેરોમાં સામેલ થયું છે. પાટનગર દિલ્હીમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાતા જનજીવન પર અસર થઈ હતી. દેશના કેટલાય વિસ્તારોમાં અસહ્ય ગરમી શરૂ થઈ ગઈ છે.દેશમાં આ વર્ષે ગરમી જૂના બધા રેકોર્ડ તોડે એવી શક્યતા છે. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં દેશના ઘણાં વિસ્તારોમાં તાપમાનનો પારો ૫૦ની નજીક પહોંચે તેવી ભીતિ છે. અત્યારે જ દેશના અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪૦થી ૪૪ ડિગ્રીએ પહોંચી ગયો છે. મે મહિના સુધીમાં અનેક શહેરોનું તાપમાન સરેરાશ ૪થી આઠ ડિગ્રી વધી જવાની શક્યતા વચ્ચે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, યુપી, ઓડિશા, તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઝારખંડ જેવા રાજ્યોમાં હીટવેવ એલર્ટ અપાયો છે.

અમરાવતી, વર્ધા, નાગપુર, દિલ્હી સહિતના અનેક શહેરોમાં તાપમાન બે દિવસમાં જ ત્રણથી ચાર ડિગ્રી વધી જતાં લોકોને અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. ઉત્તર પ્રદેશના બાંદામાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રી નોંધાયો હતો. મધ્યપ્રદેશના નર્મદાપુરમ્ ૪૩ ડિગ્રીથી શેકાયું હતું. છત્તીસગઢમાં આકરી ગરમીના કારણે શાળાઓમાં ૧૧ દિવસની રજા આપી દેવામાં આવી છે. મધ્યપ્રદેશના ઘણાં જિલ્લાઓમાં બપોરને બદલે શાળાઓનો સમય સવારે કરી દેવાયો છે અને સમય પણ ઘટાડાયો છે. રાજસ્થાનના અમુક વિસ્તારમાં એકાએક વાતાવરણ પલટાયું હતું. ગરમી વચ્ચે હનુમાનગઢીમાં વરસાદ પડયો હતો. જયપુર સહિત ઘણાં જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત થઈ હતી. હરિયાણામાં પણ હળવો વરસાદ થયો હતો અને વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.
વિશ્વના અસહ્ય ગરમ ૫૦ સ્થળોમાં ૨૦ શહેરો ભારતના છે. ઉનાળામાં સરેરાશ તાપમાનની રીતે ૩૭ ડિગ્રી સાથે ચીનના યુન્નાન પ્રાંતનું જિંગહોંગ શહેર પહેલા નંબરે છે. તે પછી બીજા નંબરે ૩૬ ડિગ્રી સાથે ઓડિશાનું બ્લાંગિર આવે છે. વિએટનામનું સોન લા ત્રીજું છે તો વળી ચોથા અને પાંચમા ક્રમે ભારતના મહારાષ્ટ્રનું ચંદ્રપુર અને છત્તીસગઢનું રાયપુર છે. એ પછીના ક્રમે પણ મહારાષ્ટ્રનું ગડચાંદૂર, છત્તીસગઢનું મહાસમુંદ, બિહારનું સાસારામ, છત્તીસગઢનું ભીલાઈ, તેલંગણાનું કોથાપેટ, છત્તીસગઢનું બિલાસપુર જેવા શહેરો આવે છે.
હવામાન વિભાગે કહ્યું હતું કે દેશમાં આ વર્ષે અલ નીનોની તીવ્ર અસર થશે. પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સિસ્ટમ એક્ટિવ થાય છે. અલ નીનોને સ્પેનિશ ભાષામાં લિટલ બોય કહેવામાં આવે છે. તેનાથી સમુદ્રી પ્રવાહો ગરમ બને છે અને તેની અસર તાપમાન પર પડે છે. પ્રશાંત મહાસાગરનો આ અલ નીનોનો ગરમ પ્રવાહ હિન્દ મહાસાગરને પ્રભાવિત કરશે ને તેની અસર દેશના તાપમાન પર પડશે.

