દેશમાં પોર્નોગ્રાફી પર પ્રતિબંધને લગતા કેસ પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે સપ્ટેમ્બરમાં નેપાળમાં થયેલા Gen-Z વિરોધ પ્રદર્શનની તુલના કરતા કહ્યું કે, જુઓ નેપાળમાં પ્રતિબંધને લઈને શું થયું. CJI બી. આર. ગવઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે, અરજી પર ચાર અઠવાડિયા બાદ આગળની સુનાવણી થશે. નોંધનીય છે કે, CJI ગવઈ 23 નવેમ્બરે નિવૃત્ત થવાના છે.

અરજદારની શું માંગ હતી?
અરજદારે કેન્દ્ર સરકારને પોર્નોગ્રાફી જોવા પર અંકુશ લગાવવા માટે એક રાષ્ટ્રીય નીતિ બનાવવા અને એક કાર્યયોજના તૈયાર કરવા માટે નિર્દેશ કરવાની માંગ કરી હતી, જેમાં પુખ્ત વયના લોકો માટે વિશિષ્ટ પ્રતિબંધો અને જાહેર સ્થળોએ આવી સામગ્રી જોવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.અરજદારે તર્ક આપ્યો હતો કે, ડિજિટલાઇઝેશન બાદ, દરેક ડિજિટલરૂપે એકબીજા સાથે જોડાયેલા છે. શિક્ષિત હોય કે અશિક્ષિત, તેનાથી કોઈ ફરક નથી પડતો. બધું જ એક જ ક્લિકમાં ઉપલબ્ધ છે. અરજદારે એ પણ કહ્યું કે, સરકારે સ્વીકાર્યું છે કે, ઈન્ટરનેટ પર અશ્લીલ સામગ્રીને પ્રોત્સાહન આપતી અબજો સાઇટ્સ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. કોવિડ દરમિયાન, સ્કૂલના બાળકો ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરતા હતા અને આ ડિવાઇસ પર પોર્નોગ્રાફી જોવાથી રોકવા માટે કોઈ સિસ્ટમ નથી.
કાયદો બનાવવા માટે કરી માંગ
અરજદારે દલીલ કરી હતી કે, હાલમાં એવું સોફ્ટવેર છે જે માતા-પિતા અથવા વાલીઓને બાળકો જે સામગ્રી જુએ છે તેને પ્રતિબંધિત કરવાની અથવા તેમના બાળકો અથવા વાલીઓ શું બ્રાઉઝ કરી રહ્યા છે તે વાસ્તવિક સમયમાં ટ્રેક કરવાની મંજૂરી આપે છે.વધુમાં અરજદારે કહ્યું કે, પોર્નોગ્રાફીની આ સમસ્યાને ઉકેલવા માટે કોઈ અસરકારક કાયદા નથી અને પોર્નોગ્રાફી જોવાથી વ્યક્તિઓ તેમજ સમાજ પર, ખાસ કરીને 13 થી 18 વર્ષની વયના યુવાનો પર પ્રતિકૂળ અસર પડે છે.
