NATIONAL : પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો, ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ કરશે

0
9
meetarticle

પહેલગામ આતંકી હુમલા પછી સિંધુ જળ સંધિ સ્થગિત કર્યાના નવ મહિના પછી ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો આપવાની તૈયારી કરી છે. સિંધુ જળ સંધિ ફરી શરૂ કરવા માટે પાકિસ્તાને અનેક ધમપછાડા કર્યા, આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી પણ કરી, પરંતુ તેને સફળતા મળી નથી. કેન્દ્ર સરકારે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે સિંધુ જળ સંધિ શાંતિકાળ માટે હતી, પરંતુ પાકિસ્તાન શાંતિ સ્થાપિત કરવા માગતું નથી તો આ સંધિ પણ નહીં રહે. હવે ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો આપવાની તૈયારીના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરમાં ઝેલમ નદી પર ચાર દાયકાથી અટવાયેલો વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ કરવાની તૈયારી કરી છે.

ભારતના સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના નિર્ણયથી પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચીનાબ પર બાંધકામ કરવાના અગાઉના પ્રતિબંધો હટી ગયા છે. 1960માં વિશ્વ બેન્કની મધ્યસ્થતાથી કરાયેલી સંધિએ પાકિસ્તાનની સહમતિ સિવાય બેરેજ અને બંધ બાંધવાની ભારતની ક્ષમતા સીમિત કરી હતી. જોકે, હવે જમ્મુ અને કશ્મીર સરકાર લાંબો સમયથી બંધ પડેલા વુલર બેરેજ પ્રોજેક્ટ પર ફરી કામ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ તરીકે પણ ઓળખાતા આ પ્રોજેક્ટનો હેતુ ઝેલમ નદીમાંથી આવતા પાણીનું નિયમન કરવાનો તેમજ સમગ્ર વર્ષ દરમ્યાન નેવિગેશન બહેતર બનાવવાનો છે. અધિકારીઓએ કહ્યું કે કેન્દ્રના સહયોગ સાથે ટૂંક સમયમાં બાંધકામ ફરી શરૂ થશે.

વુલર તળાવની આપસાસ રહેતા સ્થાનિક સમુદાય માટે પ્રોજેક્ટ ફરી શરૂ થવાથી આશા જાગી છે. મોસમી ફેરફાર અને કાંપને કારણે તળાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેના કારણે માછીમારી તેમજ સિંઘાડા અને કમળદાંડીની ખેતી પર વિપરીત અસર પડી છે. સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ શિયાળામાં ઝેલમમાંથી પાણી ઓછું આવવાથી વિશાળ હિસ્સા સુકાઈ ગયા છે, જેના કારણે અનેક લોકો બેરોજગાર થઈ ગયા છે અને તેમની આજીવિકા જોખમમાં મુકાઈ છે. 1984માં પ્રથમ વાર વુલર પ્રોજેક્ટ પર કામ શરૂ થયું ત્યારથી વારંવાર અવરોધો ઊભા થતા રહ્યા છે. આતંકવાદને કારણે પહેલા તેને 1989માં અટકાવી દેવામાં આવ્યો અને પછી ૨૦૧૦માં ટૂંક સમય માટે શરૂ થયું જે સોપોરેમાં નિંગલી ખાતે આતંકી હુમલા પછી ફરી 2012માં અટકાવી દેવામાં આવ્યું. પાકિસ્તાને સતત બેરેજનો વિરોધ કર્યો છે અને દલીલ કરી છે કે ઝેલમ પર ભારતના નિયંત્રણથી નીચાણવાળા વિસ્તારોમાં દુષ્કાળ અથવા પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here