ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાનના યુદ્ધને કારણે દેશમાં એલપીજી સંકટની સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હવેથી જે પણ વિસ્તારમાં પીએનજીની સુવિધા હોય ત્યાં કનેક્શન લેવું ફરજિયાત થઇ ગયું છે. ટૂંક સમયમાં જે પણ વિસ્તારોમાં પીએનજી કનેક્શન શક્ય છે ત્યાં એલપીજી રદ કરી દેવામાં આવી શકે છે. આ સાથે જ સરકારે પીએનજી કનેક્શન માટે રાહતો જાહેર કરી છે જે મુજબ હવેથી સિક્યોરિટી ડિપોઝિટ નહીં આપવી પડે અને ૫૦૦ રૂપિયા સુધી મફત ગેસ મળી રહેશે.

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પ્રેસ કોન્ફરંસ કરીને ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની સ્થિતિની ભારત પર અસરો અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી. સાથે જ પીએનજી કનેક્શનને લઇને રાહતો જાહેર કરી છે. નવા પીએનજી કનેક્શન પર કંપનીઓ સિક્યોરિટી ચાર્જ નહીં લે સાથે જ ૫૦૦ રૂપિયા સુધીનો ગેસ ફ્રી આપવામાં આવશે. જોકે આ સુવિધા તમામ ગ્રાહકોને નહીં પણ ૩૧મી માર્ચ સુધી કનેક્શન લેનારાઓને આપવામાં આવશે તેવા અહેવાલો છે.
બીજી તરફ પીટીઆઇના અહેવાલો મુજબ સરકારે એક આદેશ જારી કરીને જણાવ્યું છે કે જો તમારા વિસ્તારમાં પીએનજી પાઇપ લાઇન ગેસ કનેક્શન હોય તો ટૂંક સમયમાં એલપીજી કનેક્શન બંધ કરી દેવામાં આવશે, ગ્રાહકોને એલપીજીમાંથી પીએનજી તરફ વાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન સંયુક્ત સચિવ સુજાતા શર્માએ વધુમાં જણાવ્યું હતું કે જે વિસ્તારમાં પીએનજીની સુવિધા હોય ત્યાં કનેક્શન લેવા માટે ગ્રાહકોને નોટિસ મોકલવામાં આવશે. ત્રણ મહિનાની અંદર પીએનજી કનેક્શન લઇ લેવાનું રહેશે, જો આમ કરવામાં ગ્રાહકો નિષ્ફળ રહે તો તેમને જે એલપીજી મળી રહ્યો છે તે બંધ કરી દેવામાં આવશે.
સરકારી ડેટા મુજબ હાલમાં અનેક ઘરો સુધી પીએનજી કનેક્શન પહોંચી ગયા છે, દેશમાં આશરે ૩૩ કરોડ જેટલા ગ્રાહકો છે, જેની પાસે એલપીજી કનેક્શન છે, જ્યારે ૧.૫૭ કરોડ લોકો પાસે પીએનજી કનેક્શન છે, એટલે કે કરોડો લોકો હજુ પણ એલપીજી પર નિર્ભર છે. સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૧૦.૩૫ કરોડ લોકોને કનેક્શન આપવામાં આવ્યા છે. હાલમાં વિવિધ રાજ્યોમાં એલપીજી સિલિન્ડરોની સંગ્રહખોરી વધી રહી છે, એવામાં મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ૨૪મી માર્ચના રોજ વિવિધ રાજ્યોમાં ૨૭૦૦ જેટલા દરોડા પાડવામાં આવ્યા અને ૨૦૦૦ જેટલા સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.
દરમિયાન કેટલાક રેસ્ટોરાં અને હોટેલવાળા ગ્રાહકો પાસેથી એલપીજી ચાર્જ વસુલવા લાગ્યા છે, આવો કોઇ પણ ચાર્જ નહીં વસુલવાની કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ઓથોરિટીએ ચેતવણી જાહેર કરી છે. ઓથોરિટીએ દેશના તમામ રેસ્ટોરાં, હોટેલ, ખાણીપીણીના દુકાનો વગેરે માટે આદેશ જાહેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જો ગ્રાહકો પાસેથી એલપીજી કે ફ્યૂઅલ ચાર્જ વસુલવામાં આવ્યો તો આકરા પગલા લેવામાં આવશે. આ સાથે જ સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલની કોઇ જ અછત નથી, લોકોએ અફવાઓમાં આવીને જથ્થાબંધ ખરીદી ના કરવી તેવી સલાહ આપવામાં આવી છે.

