પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ‘બાબરી મસ્જિદ’નો શિલાન્યાસ થયા બાદ હવે હૈદરાબાદમાં પણ બાબરી મસ્જિદ મેમોરિયલ બનાવવાની જાહેરાત થઈ છે. અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસની 33મી વરસી પર તહરીક મુસ્લિમ શબબન સંગઠન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

સંગઠનના અધ્યક્ષ મુશ્તાક મલિકે કહ્યું કે આ મેમોરિયલ ક્યારે બનાવવામાં આવશે તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. કોઈએ બાબરના નામથી ચિંતિત થવાની જરૂર નથી અને આ મુદ્દો માત્ર એક રાજકીય કાવતરું છે.
મુર્શિદાબાદમાં શું થયું?
મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનો પાયો નાખનાર ધારાસભ્ય હુમાયુ કબીરે દાવો કર્યો હતો કે તેણે કોઈ ગેરકાયદેસર કામ કર્યું નથી. જો આ દેશમાં મંદિર અને ચર્ચ બનાવવાની છૂટ છે, તો મસ્જિદ બનાવવાની પણ સ્વતંત્રતા છે.જોકે, આ પગલા બાદ હુમાયુ કબીરને TMC પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. કબીરે કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું હતું કે, ‘હિન્દુઓએ મસ્જિદ તોડી હતી, પરંતુ હિન્દુ ભાવનાને ધ્યાનમાં રાખીને ત્યાં મંદિર બનાવવાની પરવાનગી આપવામાં આવી. બંધારણ આપણને મસ્જિદ બનાવવાનો પણ અધિકાર આપે છે.’ કબીરે આ મસ્જિદ માટે ₹300 કરોડનું બજેટ રાખ્યું છે.રામ મંદિર પર મલિકનો દાવો
સંગઠનના અધ્યક્ષ મુશ્તાક મલિકે રામ મંદિરને લઈને પણ વિવાદિત નિવેદન આપતા દાવો કર્યો કે તુલસીદાસની ‘રામચરિત માનસ’માં પણ રામ મંદિરનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જ્યારે આ ગ્રંથ બાબરી મસ્જિદ બન્યાના 60 વર્ષ પછી રચાયો હતો. તેમણે એમ પણ કહ્યું કે રામચરિત માનસમાં મંદિર તોડવાનો પણ કોઈ ઉલ્લેખ નથી.
મલિકે કહ્યું કે, ‘અકબરના શાસનકાળમાં પણ હવન-પૂજા થતી હતી અને તુલસીદાસ અને અકબર વચ્ચે પણ સંવાદ હતો. માન સિંહ અકબરના સેના પ્રમુખ હતા. આ સમગ્ર મુદ્દાને કારણે દેશના વિવિધ ધર્મ વચ્ચે ભાઈચારો ખતમ થઈ ગયો છે.
