મોડેલ રહી ચુકેલી પ્રિયા સેઠને ડેટિંગ એપ પર મળેલા દુષ્યંત શર્મા નામના યુવકની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હાલમાં તે સાંગાનેર ઓપન જેલમાં પોતાની સજા કાપી રહી છે. જે હત્યાના કેસમાં પ્રિયા દોષિત ઠરી છે તે ૨૦૧૮નો છે. ૨ મે, ૨૦૧૮ના રોજ, પ્રિયાએ તેના પ્રેમી દીક્ષાંત કામરા અને અન્ય એક વ્યક્તિની મદદથી દુષ્યંત સિંહની હત્યા કરી હતી. તેનો પ્લાન દુષ્યંતનું અપહરણ કરી ખંડણી માંગવાનો હતો, જેથી તે તેના તત્કાલીન પ્રેમી દીક્ષાંત કામરાનું દેવું ચૂકવી શકે. પ્રિયાએ ટિન્ડર પર દુષ્યંત સાથે દોસ્તી કરી અને તેને એક ફ્લેટ પર બોલાવ્યો. જ્યારે તે મળવા આવ્યો ત્યારે એનું અપહરણ કરીને દુષ્યંતના પિતા પાસે ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી, જેમાંથી પિતાએ ૩ લાખ રૂપિયા ટ્રાન્સફર પણ કર્યાં હતા. પકડાઈ જવાના ડરે તેણે દુષ્યંતની હત્યા કરી અને લાશને સૂટકેસમાં ભરીને પહાડીઓમાં ફેંકી દીધી.દુષ્યંતના મૃતદેહમાંથી હાથ, પગ સહિત બધા અંગો કાપીને અલગ કરી નાખ્યા હતા. ઓળખ છુપાવવા માટે તેના ચહેરા પર છરીના અનેક ઘા પણ કર્યા હતા.

હનુમાન પ્રસાદે ચાર બાળકો સહિત પાંચની હત્યા કરી હતી
હનુમાન પ્રસાદની પ્રેમિકા સંતોષ અલવરમાં તાઈક્વોડો પ્લેયર હતી અને હનુમાન પ્રસાદથી ૧૦ વર્ષ મોટી હતી. ૨ ઓક્ટોબર, ૨૦૧૭ની રાત્રે સંતોષે તેના પતિ અને બાળકોની હત્યા કરવા માટે હનુમાન પ્રસાદને ઘરે બોલાવ્યો હતો. ત્યાં પહોંચીનેતેણે પશુઓને કાપવાના છરા વડે સંતોષના પતિ બનવારી લાલની હત્યા કરી નાખી. આ દરમિયાન સંતોષના ત્રણ બાળકો અને ત્યાં રહેતો તેનો ભત્રીજો જાગી ગયા અને આ આખી ઘટના જોઈ લીધી તેથી તેણે ચારેય બાળકોને પણ મારી નાખ્યા.
પ્રિયા અને હનુમાન પ્રસાદ છ મહિના પહેલાં જેલમાં મળ્યા
પ્રિયા સેઠ અને હનુપ્રસાદ ઉર્ફે જેકી જયપુરમાં સાંગાનેરની ઓપન જેલમાં બંધ છે. બંને આજીવન કારાવાસની સજા ભોગવે છે તે દરમિયાન છ મહિના પહેલાં જેલમાં મળ્યા હતા. બંને પ્રેમમાં પડયા હતા. જેલમાં જ સગાઈ કરી હતી. લગ્ન માટે બંનેએ પેરોલ મંજૂર કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે બંનેને લગ્ન માટે ૧૫ દિવસની ઈમરજન્સી પેરોલ આપ્યા હતા.આ ઘટના જાણે કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ હોય તેવી લાગે છે, પરંતુ ખરેખર આવી ઘટના બની છે. પ્રિયા સેઠ ઉર્ફે નેહા સેઠ અને તેના પ્રેમી હનુમાન પ્રસાદે અલવરમાં લગ્ન કર્યા છે.

