NATIONAL : ભારતના ચીન સહિતના પાડોશી દેશો માટે એફડીઆઈના નિયમો હળવા કરાયા

0
17
meetarticle

સરકારે ચીન સહિત ભારતની સાથે જમીન સરહદ ધરાવતા તમામ દેશો માટે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) નિયમો સરળ બનાવી દીધા છે તેમ સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે આ સંબધમાં ૨૦૨૦ની પ્રેસ નોટ-૩માં સંશોધન કરવામાં આવ્યું છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે.

જો કે માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે કેબિનેટનાં નિર્ણયો પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ સંબધમાં કોઇ જાહેરાત કરી નથી.ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)એ જણાવ્યું છે કે મંત્રીમંડળ દ્વારા આજે કોઇ એવી જાહેરાત કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે ડીપીઆઇઆઇટી વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયનું એકમ છે જે ફોરન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)થી સંબધિત કેસોને સંભાળે છે.આ પ્રેસ નોટ હેઠળ ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશોનાં શેરધરાકોવાળી વિદેશી કંપનીઓને ભારતમાં કોઇ પણ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે સરકાર પાસેથી ફરજિયાતપણે મંજૂરી લેવાની જરૂર છે.

ભારત સાથે જમીન સરહદ દેશોમાં ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂતાન, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.

ભારતમાં એપ્રિલ,૨૦૦૦થી ડિસેમ્બર, ૨૦૨૫ સુધી આવેલા કુલ એફડીઆઇ ઇક્વિટી પ્રવાહમાં ચીનની હિસ્સેદારી ફક્ત ૦.૩૨ ટકા (૨.૫૧ અબજ ડોલર) છે અને તે ૨૩મા સ્થાને છે.

જૂન, ૨૦૨૦માં ગલવાન ખીણમાં ભીષણ અથડામણ થયા પછી ભારત અને ચીન વચ્ચેેનાં સંબધો વણસ્યા હતાં. ત્યારબાદ ભારતે ટિક ટોક, વીચેટ અને અલીબાબાનાં યુસી બ્રાઉઝર જેવા ૨૦૦થી વધારે ચીનની મોબાઇલ એપ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

જો કે ભારતને ચીનથી ખૂબ જ ઓછું એફડીઆઇ પ્રાપ્ત થયું છે. આમ છતાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં અનેક ગણી વૃદ્ધિ જોવા મળી છે. ચીન ભારતનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે.

૨૦૨૪-૨૫માં ભારતે ચીનમાં કરેલી નિકાસ ૧૪.૫ ટકા ઘટીને ૧૪.૨૫ અબજ ડોલર રહી હતી. ૨૦૨૩-૨૪માં આ ભારતની ચીનમાં નિકાસ ૧૬.૬૬ અબજ ડોલર હતી. જો કે ૨૦૨૪-૨૫માં ભારતે ચીનમાંથી કરેલી આયાત ૧૧.૫૨ ટકા વધીને ૧૧૩.૪૫ અબજ ડોલર રહી હતી. ૨૦૨૩-૨૪માં ભારતે ચીનમાંથી કરેલી આયાત ૧૦૧.૭૩ અબજ ડોલર હતી. ૨૦૨૪-૨૫માં વેપાર ખાધ વધીને ૯૯.૨ અબજ ડોલર હતી. ૨૦૨૩-૨૪માં વેપાર ખાધ ૮૫ અબજ ડોલર હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here