ભારત સરકારે ગુરુવારે સંસદમાં રજૂ કરેલા વાર્ષિક આર્થિક સર્વેક્ષણમાં દેશના યુવાનો અને બાળકોમાં વધતી જતી ‘ડિજિટલ લત’ (Digital Addiction) અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સર્વેક્ષણમાં સૂચવવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા અને ઓનલાઇન ગેમ્બલિંગ (સટ્ટાબાજી) એપ્સ સુધી પહોંચવા માટે વય-આધારિત મર્યાદાઓ નક્કી કરવા પર વિચાર કરવો જોઈએ.
આ અહેવાલ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવાના થોડા દિવસો પહેલા જ રજૂ કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ ગુરુવારે રાજ્યસભામાં આર્થિક સર્વેક્ષણ 2025-26ની નકલ સદનના પટલ પર મૂકી હતી. આર્થિક સર્વેક્ષણ સરકાર દ્વારા રજૂ કરવામાં આવતો એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેમાં દેશના લગભગ દરેક આર્થિક મોરચાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવે છે અને આગામી વર્ષના વિકાસ તેમજ પડકારો રજૂ કરવામાં આવે છે.
મુખ્ય ભલામણો અને ચિંતાઓ
આ આર્થિક સર્વેક્ષણમાં ડિજિટલ પ્લેટફોર્મની નકારાત્મક અસરોને ઘટાડવા માટે કેટલાક કડક પગલાં ભરવાનું સૂચન કરવામાં આવ્યું છે:
પ્લેટફોર્મની જવાબદારી: રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા અને ગેમ્બલિંગ એપ્સને વય ચકાસણી (Age Verification) લાગુ કરવા માટે જવાબદાર ઠેરવવી જોઈએ.
ફીચર્સ પર નિયંત્રણ: બાળકો અને યુવાનો માટે ‘ઓટો-પ્લે’ વીડિયો ફીચર્સ અને ‘ટાર્ગેટેડ જાહેરાતો’ પર નિયંત્રણ લાવવાની વાત કરવામાં આવી છે, કારણ કે આ ફીચર્સ સ્ક્રીન ટાઇમ વધારવા અને લત લગાવવામાં મોટી ભૂમિકા ભજવે છે.

પારિવારિક ભૂમિકા: સર્વેક્ષણમાં માત્ર કાનૂની ઉપાયો પર જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. પરિવારોને સ્ક્રીન-ટાઇમ લિમિટ, ડિવાઇસ-ફ્રી સમય અને ઓફલાઇન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની સલાહ આપવામાં આવી છે.
વર્તમાનમાં ભારત ફેસબુક (Meta), યુટ્યુબ (Alphabet) અને X જેવા પ્લેટફોર્મ્સ માટે વિશ્વના સૌથી મોટા બજારોમાંનું એક છે. જોકે, ભારતમાં અત્યાર સુધી સોશિયલ મીડિયાના ઉપયોગ માટે કોઈ સમાન રાષ્ટ્રીય લઘુત્તમ વય નિર્ધારિત નથી. સર્વેક્ષણ મુજબ, ડિજિટલ લત માત્ર માનસિક સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ ઉત્પાદકતા અને સામાજિક વર્તનને પણ અસર કરી રહી છે.
ઓસ્ટ્રેલિયા : સૌથી કડક કાયદો ઓસ્ટ્રેલિયાએ ડિસેમ્બર 2025માં વિશ્વનો સૌથી કડક કાયદો અમલી બનાવ્યો છે. અહીં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ કાયદો હવે પ્રભાવી થઈ ચૂક્યો છે. સોશિયલ મીડિયા કંપનીઓ(જેમ કે Meta, TikTok, X)ને બાળકોને રોકવા માટે ‘યોગ્ય પગલાં’ લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, અન્યથા તેમને 49.5 મિલિયન AUD (આશરે ₹270 કરોડ) સુધીનો દંડ થઈ શકે છે. ખાસ વાત એ છે કે, આમાં માતા-પિતાની સંમતિની પણ કોઈ જોગવાઈ રાખવામાં આવી નથી.
ફ્રાન્સ : ફ્રાન્સ આ દિશામાં ખૂબ જ સક્રિય છે અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આ મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધની તૈયારી ચાલી રહી છે. તાજેતરમાં (જાન્યુઆરી 2026) નેશનલ એસેમ્બલીએ આ અંગેના એક બિલને મંજૂરી આપી છે, જેને સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણપણે અમલી બનાવવાનું લક્ષ્ય છે. હાલમાં, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એકાઉન્ટ બનાવવા માટે માતા-પિતાની પરવાનગીની જરૂર પડે છે.
અમેરિકા : અમેરિકામાં હાલમાં કોઈ સમાન રાષ્ટ્રીય કાયદો નથી, પરંતુ રાજ્ય સ્તરે ઘણા કડક નિયમો છે. COPPA કાયદા હેઠળ ફેડરલ સ્તરે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો ડેટા માતા-પિતાની પરવાનગી વિના લઈ શકાતો નથી. ફ્લોરિડા, ઉટાહ અને વર્જિનિયા જેવા રાજ્યોએ 14થી 16 વર્ષના બાળકો માટે સોશિયલ મીડિયા પર કડક પ્રતિબંધો લાદ્યા છે.
યુરોપિયન યુનિયન : યુરોપિયન યુનિયનના ‘ડિજિટલ સર્વિસીસ ઍક્ટ’ (DSA) હેઠળ બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. સત્તાવાર રીતે 16 વર્ષની વય મર્યાદાની ભલામણ કરવામાં આવી છે, પરંતુ સભ્ય દેશોને 13થી 16 વર્ષ વચ્ચેની વય પસંદ કરવાની છૂટ આપવામાં આવી છે. ઑક્ટોબર 2025માં સમગ્ર EU માટે લઘુત્તમ વય મર્યાદા 16 વર્ષ કરવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે.
અન્ય દેશો આ સિવાય, નોર્વેમાં લઘુત્તમ વય મર્યાદા 13થી વધારીને 15 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. યુનાઇટેડ કિંગડમ(UK)માં ‘ઓનલાઇન સેફ્ટી ઍક્ટ’ હેઠળ કડક નિયમો લાગુ છે. જોકે ત્યાં ઓસ્ટ્રેલિયા જેવો સંપૂર્ણ પ્રતિબંધ નથી, પરંતુ સુરક્ષાના ધોરણો અત્યંત કડક બનાવવામાં આવ્યા છે.
ભારતમાં હાલમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ડેટા પ્રોટેક્શન કાયદા હેઠળ ‘કિશોર (નાબાલિક)’ માનવામાં આવે છે અને તેમના માટે માતાપિતાની સંમતિ જરૂરી છે, પરંતુ સોશિયલ મીડિયા એક્સેસ માટે કોઈ કડક વય પ્રતિબંધ નથી. તાજેતરના અહેવાલો અનુસાર, ગોવા અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો ઓસ્ટ્રેલિયાના મોડલ પર વિચાર કરી રહ્યા છે.
હાલમાં મેટા, આલ્ફાબેટ અને X એ આ ભલામણો પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે, જો સરકાર આ ભલામણોને કાયદાનું સ્વરૂપ આપે છે, તો આ દિગ્ગજ ટેક કંપનીઓએ ભારતમાં તેમની કામગીરીની પદ્ધતિમાં મોટા ફેરફારો કરવા પડી શકે છે.
