ભારતમાં દોષિતોને ગળે ફાંસો લગાવીને મૃત્યુદંડ આપવામાં આવે છે. આ સજા અત્યંત ઘાતક માનવામાં આવે છે અને તેના સ્થાને સરળ મૃત્યુદંડ આપવાની માગ સાથે એક જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ છે. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે, મૃત્યુદંડ આપવા માટે ફાંસીની જગ્યાએ ઘાતક ગણાતા ઇન્જેક્શનનો ઉપયોગ કેમ ના કરી શકાય? સમય સાથે બદલાવ જરૂરી છે પરંતુ સરકાર મૃત્યુદંડની સજા બદલવા માટે તૈયાર નથી.ફાંસીની સરખામણીએ ઇન્જેક્શન ઓછું પીડાદાયકઃ વકીલની દલીલ
અમેરિકા સહિતના અનેક દેશોમાં હવે ફાંસીની જગ્યાએ ઝેરી ઇન્જેક્શન આપીને દોષિત કેદીને મૃત્યુદંડ આપવામાં આવે છે. ફાંસીની સરખામણીએ ઇન્જેક્શન ઓછું પીડાદાયક માનવામાં આવે છે. આ સ્થિતિ વચ્ચે હવે આ નિર્ણય ભારતમાં કરવાની માગ ઉઠી રહી છે. સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી પીઆઇએલ મૃત્યુદંડની જૂની પદ્ધતીમાં થઈ છે.

સન્માનજનક મૃત્યુના અધિકારની માંગ
જેમાં એવી દલીલ કરવામાં આવી છે કે, સન્માનજનક મૃત્યુના અધિકારનો સમાવેશ બંધારણે આપેલા મૌલિક અધિકારમાં સામેલ કરવો જોઈએ. મૃત્યુદંડ માટે ઘાતક ઇન્જેક્શન, ફાયરિંગ સ્ક્વાડ, વીજળી કરંટ કે ગેસ ચેમ્બર જેવા ઉપાયો અપનાવી શકાય, કેમ કે ફાંસી દ્વારા અપાતા મૃત્યુદંડમાં બહુ સમય લાગી જાય છે જ્યારે તેની સામે આ અન્ય વિકલ્પોમાં માત્ર પાંચ જ મિનિટમાં મૃત્યુ થઈ જાય છે. વળી ફાંસીની સજા અત્યંત ત્યંત ક્રૂર અને દર્દનાક પણ છે. દોષિત કેદીને કઈ પદ્ધતીથી મૃત્યુદંડ જોઇએ છે તેનો વિકલ્પ તો આપી જ શકાય.
કેન્દ્રને કરાયા સવાલ
કેન્દ્ર સરકાર તરફથી હાજર વરિષ્ઠ વકીલ સોનિયા માથુરે કહ્યું હતું કે, કેદીઓને મૃત્યુદંડ માટે વિકલ્પ આપવો તે નીતિગત મામલો છે, ફાંસીની જગ્યાએ અન્ય કોઈ પદ્ધતિથી સજા આપવી વ્યવહારિક રીતે શક્ય નથી. બાદમાં સુપ્રીમના ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ સંદીપ મેહતાની ખંડપીઠે મૌખિક રીતે અવલોકન કરતા કહ્યું હતું કે, સમસ્યા એ છે કે સરકાર જ સજાની આ પદ્ધતિને બદલવા તૈયાર નથી, ફાંસીની સજા બહુ જ જૂની પ્રક્રિયા છે, જ્યારે સમય સાથે બદલાવ આવી ગયો છે. કેન્દ્ર સરકાર ઈન્જેક્શન દ્વારા મૃત્યુદંડની સજા આપવાની માગ સાથે સંમત ન થતા સુપ્રીમે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, કેન્દ્ર સમય સાથે વિચારો વિકસિત કરવા તૈયાર નથી દેખાઈ રહી. કેન્દ્ર સરકારની એવી દલીલ હતી કે આ મામલો પોલિસી સાથે જોડાયેલો છે. હવે આ મામલે આગામી સુનાવણી 11 નવેમ્બરે કરવામાં આવશે.

