NATIONAL : રાજસ્થાનમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણમાં 8 લોકોનાં મોત, 24 ઘાયલ

0
49
meetarticle

રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર આજે સવારના સુમારે બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ થતાં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે ૨૪ ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

આ અકસ્માત કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારના ધનવાડા નજીક થયો હતો. દૌસાના એસપી પિયુષ દિક્ષિતના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં પાંચ લોકો જીવતા સળગી ગયા હતા. જ્યારે બે લોકોને માથામાં ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. તેમ જ એક વ્યક્તિનું દાઝી જવાથી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

એસપીએ જણાવ્યું કે ખાનગી ટ્રાવેલ્સની બસ ઋષિકેશથી ઇન્દોર જઇ રહી હતી ત્યારે એક્સપ્રેસ વે પર આગળ જઇ રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી. ઇજાગ્રસ્તોને દૌસા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાઇ રહ્યું છે. હોસ્પિટલના એક ડોક્ટરના જણાવ્યા મુજબ બુધવારે આઠ મૃતદેહો લાવવામાં આવ્યા હતા.

અધિક એસપી શંકર લાલે જણાવ્યું કે માથામાં ઇજા થવાથી મૃત્યુ પામેલા બે લોકોમાંથી એકની ઓળખ ધર્મેન્દ્ર તરીકે થઇ છે. જ્યારે બાકીના મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આગ પર નિયંત્રણ મેળવ્યા પછી ફાયર ફાઇટર, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે બચાવ અભિયાન હાથ ધર્યું હતું.

દૌસાના સાંસદ મુરારી લાલ મીણાએ જણાવ્યું કે હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. આઠ સળગેલા મૃતદેહોને જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમજ તેમની ઓળખ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમ જ વહીવટીતંત્ર પીડિત પરિવારોને તમામ શક્ય મદદ કરવા માટે દોડી રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here