કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ‘વંદે માતરમ’ અંગે ચાલી રહેલી ચર્ચા પર પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે, કોઈપણ નાગરિકને તે ગાવા માટે મજબૂર ન કરવા જોઈએ. થરૂરે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી હાલની માર્ગદર્શિકાની ટીકા કરતા કહ્યું કે, દેશભક્તિ દિલથી નિભાવવામાં આવે છે અને કાયદો બનાવીને દેશભક્તિને જબરદસ્તીથી થોપી શકાતી નથી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક ઔપચારિક દિશાનિર્દેશ જાહેર કરીને આદેશ આપ્યો છે કે, હવેથી તમામ સત્તાવાર કાર્યક્રમોમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ અનિવાર્યપણે આખું ગાવાનું રહેશે.

સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વ અને ઇતિહાસ
શશિ થરૂરે ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ માટે લખેલા તેમના એક લેખમાં ‘વંદે માતરમ’ના ઇતિહાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું આ ગીત આઝાદીના આંદોલનમાં જોશ ભરનારું હતું. સત્યાગ્રહીઓને લાઠીચાર્જ સહન કરવાની હિંમત આ ગીતમાંથી મળી હતી અને ફાંસી પર ચઢનારા ક્રાંતિકારીઓના દિલમાં પણ આ જ ગીત ગુંજતું હતું. પરંતુ આજે એક ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાક તરીકે આપણે રાજ્યના પ્રતીકો અને વ્યક્તિગત અંતરાત્મા વચ્ચે સંતુલન જાળવવું પડશે.
ધર્મની વિવિધતાને ધ્યાને રાખી જન ગણ મન રાષ્ટ્રગીત બન્યું
થરૂર યાદ અપાવ્યું કે, આઝાદી સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ‘વંદે માતરમ’ ગાતી હતી, પરંતુ દેશની ધાર્મિક વિવિધતાને ધ્યાનમાં રાખીને ‘જન ગણ મન’ને રાષ્ટ્રગીત તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. બંધારણ સભાએ ‘વંદે માતરમ’ને રાષ્ટ્રીય ગીતનો ‘સમાન દરજ્જો’ આપ્યો હતો. જેથી સ્વતંત્રતા સંગ્રામમાં તેની ભૂમિકાનું સન્માન થઈ શકે અને કોઈ સમુદાય અલગ-થલગ ન પડી જાય. આ એક સમજી-વિચારીને કરવામાં આવેલી સમજૂતી હતી.
રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકા અને ધાર્મિક પાસાઓ
થરૂરે રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટાગોરે 1896માં આ ગીતને સંગીતબદ્ધ કર્યું હતું, પરંતુ 1937માં તેમણે સૂચવ્યું હતું કે જાહેર મંચો પર માત્ર પ્રથમ બે અંતરા જ ગાવામાં આવે. તેમનો તર્ક હતો કે:શરૂઆતની પંક્તિઓ: માતૃભૂમિની પ્રાકૃતિક સુંદરતાનું પ્રતીકાત્મક વર્ણન કરે છે, જેનો દરેક સ્વીકાર કરી શકે છે. પછીના અંતરા તેમાં દુર્ગા અને લક્ષ્મી જેવી દેવીઓનો ઉલ્લેખ છે, જે કેટલાક ધર્મોના લોકો ધાર્મિક કારણોસર ગાઈ શકતા નથી.
તૌહીદના કારણે મુસ્લિમો નથી ગાતા આ ગીત
થરૂરે કહ્યું કે ઘણા મુસ્લિમ નાગરિકોનો વાંધો આ જ મુદ્દા પર છે. ઈસ્લામમાં ‘તૌહીદ’ એટલે કે એક જ ઈશ્વરની અવધારણા છે. જેમાં અન્ય કોઈની આગળ ઝૂકવું કે પૂજા જેવો ભાવ દર્શાવવો સ્વીકાર્ય નથી. જો સરકાર પછીના અંતરા અનિવાર્ય કરી દે, તો નાગરિકો સમક્ષ આસ્થા અને રાજ્ય વચ્ચે પસંદગીની સ્થિતિ ઊભી થાય છે.
મોદી સરકાર અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ
શશિ થરૂરે સરકારના તાજેતરના આદેશ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જે લોકો આખું ગીત ફરજિયાત કરવાની માંગ કરે છે તેઓ તેને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક માને છે. પરંતુ કોઈપણ પ્રતીકની તાકાત તેની સ્વૈચ્છિક શ્રદ્ધામાં હોય છે, જબરદસ્તીથી પાલન કરાવવામાં નહીં. થરૂરે 1986ના સુપ્રીમ કોર્ટના ‘જેહોવા વિટનેસ કેસ’નું ઉદાહરણ આપ્યું હતું. તે કેસમાં ત્રણ વિદ્યાર્થીઓને રાષ્ટ્રગીત ન ગાવા બદલ શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેઓ રાષ્ટ્રગીત વખતે સન્માનપૂર્વક ઉભા રહેતા હતા પરંતુ ધાર્મિક કારણોસર ગાતા નહોતા. સુપ્રીમ કોર્ટે તેમને પુનઃસ્થાપિત કરતા કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ સન્માનપૂર્વક ઉભી રહે છે, તો ન ગાવું એ કાયદાનું ઉલ્લંઘન કે દેશભક્તિની કમી નથી.

