પશ્ચિમ બંગાળના સિંગુર આંદોલનની આસપાસ ખેલાયેલા રાજકારણે આખા દેશનો ઈતિહાસ બદલી નાખ્યો હતો. જે જમીન પરથી ટાટા નેનોની વિદાય થઈ હતી, એ જ ધરતી પર 18 વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જનસભા સંબોધી છે. ટાટા નેનો પ્રોજેક્ટ વિરુદ્ધના સિંગુર આંદોલનના કારણે જ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઔદ્યોગિક વિકાસ અને સત્તા સંઘર્ષનો મુદ્દો ફરી ગરમાયો છે. માર્ચ-એપ્રિલ 2026માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે સિંગુરમાં જનસભા કરવાનું નક્કી કરીને ભાજપે જાણે ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું છે…

સિંગુરમાં PM મોદીનું સંબોધન:
તો ચાલો જાણીએ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા સિંગુરમાં યોજાયેલી જનસભાનો રાજકીય પરિમાણ શું છે.
મમતા બેનર્જીએ તક ઝડપીને સિંગુરના ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો
વાત એમ છે કે, 18 મે 2006ના રોજ રતન ટાટાએ હુગલી જિલ્લાના સિંગુરમાં દુનિયાની સૌથી સસ્તી કાર ‘નેનો’ બનાવવાના પ્રોજેક્ટની મોટા ઉપાડે જાહેરાત કરી હતી. વ્યક્તિગત રીતે પણ રતન ટાટા માટે આ ખૂબ જ મહત્ત્વનો પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટ માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની ડાબેરી સરકારે સિંગુરમાં આશરે 1000 એકર જમીન સંપાદિત કરી હતી. ડાબેરી સરકાર પણ ઈચ્છતી હતી કે, પશ્ચિમ બંગાળમાં મહત્તમ રોજગારીનું સર્જન થાય. આ જમીન સંપાદનનો કેટલાક નાના-મોટા રાજકીય સંગઠનોએ વિરોધ કર્યો હતો, પરંતુ ડાબેરી સરકારે જમીન સંપાદન ચાલુ કર્યું અને નેનો પ્લાન્ટનું કામ પણ શરૂ થઈ ગયું. 26 દિવસની ભૂખ હડતાળ અને ટાટા નેનો વિરુદ્ધ હિંસક આંદોલન
અહીં નોંધવું જરૂરી છે કે, વર્ષ 2006ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ડાબેરી મોરચો સતત સાતમી વખત ભારે બહુમતીથી સત્તામાં પાછો આવ્યો હતો. આ વાતથી ધુંઆપુંઆ થઈને મમતા બેનર્જીએ રાજકીય તક ઝડપી લીધી અને ખેડૂતોના હિતનો મુદ્દો ઉઠાવીને ટાટા નેનો પ્રોજેક્ટનો વધુ ઉગ્ર વિરોધ શરૂ કર્યો.
વર્ષ 2007માં મમતા બેનર્જીએ ‘ખેતીની ફળદ્રુપ જમીન બચાવવા’ માટે ડાબેરી સરકાર સામે જમીન સંપાદન વિરોધી આંદોલન શરૂ કર્યું. તેમને સિંગુરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા, ત્યારે તેઓ કોલકાતા પાછા ફર્યા, પરંતુ પાછા આવીને તેમણે 26 દિવસની ભૂખ હડતાળ કરી. આ દરમિયાન તેઓ સમાજના નાના-મોટા વર્ગો અને બૌદ્ધિકોનું જબરદસ્ત સમર્થન મેળવવામાં સફળ થયા અને સિંગુર આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું.

14 સપ્ટેમ્બર, 2016: સિંગુર: ટાટા નેનો પ્રોજેક્ટ માટે સંપાદિત કરાયેલી જમીનના 9,117 દસ્તાવેજો ખેડૂતોને પરત કરવાના અને 800 ખેડૂતોને વળતર આપવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ( IANS)
કોલકાતા હાઈકોર્ટે પણ જમીન સંપાદનને કાયદેસર ગણાવ્યું
વર્ષ 2008ની શરૂઆતમાં ટાટા મોટર્સે નવી દિલ્હીમાં આયોજિત ઓટો એક્સ્પોમાં નેનોનું પ્રદર્શન કર્યું. આ ઘટનાના થોડા જ દિવસમાં કોલકાતા હાઇકોર્ટે સિંગુરમાં જમીન સંપાદનની કાયદેસરતાનો સ્વીકાર કર્યો. આમ છતાં, મમતા બેનરજીએ સિંગુર આંદોલન ચાલુ રાખ્યું. એટલું જ નહીં, નંદીગ્રામમાં પ્રસ્તાવિત કેમિકલ ઉદ્યોગ હબ પર જમીન સંપાદન વિરોધી આંદોલન પણ શરૂ કરી દીધું અને ડાબેરી સરકારને પડકાર ફેંક્યો.
ખેર, આ આંદોલનના કારણે જ ડાબેરીઓના 34 વર્ષના શાસનનો અંત આવ્યો અને 2011માં મમતા બેનર્જી મુખ્યમંત્રી બની શક્યા હતાં.
ગોપાલકૃષ્ણ ગાંધીની મધ્યસ્થીના પ્રયાસ પણ નિષ્ફળ રહ્યા
આ સમગ્ર વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ ડાબેરી સરકાર અને મમતા બેનરજી વચ્ચે મધ્યસ્થીનો પ્રયાસ કર્યો, જે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. છેવટે 2008માં ટાટાએ સિંગુરમાંથી નેનો પ્રોજેક્ટ પાછો ખેંચી લેવાની જાહેરાત કરી. 3 ઓક્ટોબર, 2008 ના રોજ ટાટા જૂથે કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી કે, હવે ટાટા નેનોનું ઉત્પાદન બંગાળમાં નહીં થાય. ટાટા જૂથે બંગાળ છોડ્યાના ફક્ત ચાર દિવસ પછી જાહેરાત કરી કે નેનો કારની ફેક્ટરીની સ્થાપના ગુજરાતના સાણંદમાં કરાશે. છેવટે 2010 માં સાણંદ પ્લાન્ટમાં પહેલી નેનો કારનું ઉત્પાદન થયું હતું. એ દિવસે, રતન ટાટાએ ગુજરાત સરકાર અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.

