NATIONAL : હિમાચલમાં ભારે હિમવર્ષા-ભુસ્ખલન : 18ના મૃત્યુ

0
77
meetarticle

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને ભુસ્ખલનને કારણે એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીંના બિલાસપુરમાં એક બસ ભુસ્ખલનની અડફેટે આવી ગઇ હતી. જેને કારણે ૧૮ લોકોના મોત નિપજ્યા હતા. ભુસ્ખલનને કારણે બસની છત પર જ પહાડની મોટી મોટી ભેખડો ધસી પડી હતી. જેને કારણે આ મોટી જાનહાની થઇ હતી. બસમાં કુલ ૩૫ લોકો સવાર હતા, ઘાયલોની સંખ્યા પણ વધુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. 

હિમાચલ પ્રદેશમાં ચોમાસુ શરૂ થયું ત્યારથી હવે અંત આવી રહ્યો છે ત્યાં સુધી વરસાદ, ભુસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓએ ભારે તારાજી સર્જી છે. મંગળવારે ભારે વરસાદને કારણે બિલાસપુરમાં ભુસ્ખલન થયું હતું. રસ્તા પરથી પસાર થઇ રહેલી મુસાફરોની બસ પર પહાડની ભેખડો ધસી પડી હતી. 

જેને પગલે બેસ સંપૂર્ણપણે કચડાઇ ગઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હિમાચલ પ્રદેશમાં વરસાદની સાથે હિમવર્ષા પણ થઇ રહી છે. લાહૌલ, સ્પિતિ અને ગોંડલા જિલ્લામાં ૨૬ સે.મી. બરફ પડયો હતો. કીલોંગમાં પણ ૨૦ સે.મી. બરફ નોંધાયો છે. જેને પગલે અનેક વિસ્તારોમાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો હતો. કીલોંગમાં જ સામાન્ય કરતા ત્રણથી સાત ડિગ્રી તાપમાન નીચુ રહ્યું છે. 

જમ્મુ કાશ્મીરમાં પણ અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઇ રહી છે. પર્યટકો માટે જાણિતા સ્થળો પર બરફની ચાદરો પથરાઇ ગઇ છે. જેને પગલે તાપમાનમાં પણ મોટો કડાકો થયો છે. ગુલમર્ગ, પહલગામ, સોનમાર્ગ વગેરે વિસ્તારોમાં વરસાદ પડયો હતો. ઘાટીમાં તાપમાનમાં ૧૩ ડિગ્રીનો ઘટાડો થયો હતો. દોડા વિસ્તારમાં બરફના તોફાને ભારે તારાજી સર્જી હતી, જેને પગલે અનેક પશુપાલકો ફસાયા હતા. જેમને બચાવવા માટે સૈન્યની મદદ લેવામાં આવી હતી, સૈન્ય દ્વારા બકરવાલ સહિતના આશરે ૨૫ આદિવાસીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જેમાં ૪૨૦ પશુઓ અને ૧૧ પુરુષ, ૧૦ મહિલાઓ તેમજ ચાર બાળકોનો સમાવેશ થાય છે.  

દેશની રાજધાની દિલ્હીમાં પણ ઓક્ટોબર મહિનામાં વરસાદ પડી રહ્યો છે. ભારે ધુમ્મસ અને પ્રદૂષણને કારણે પાલમ એરપોર્ટ પર વિઝિબિલિટી ૬૦૦૦ મિટરથી ઘટીને સાંજે ૧૨૦૦ મિટર પર આવી ગઇ હતી. અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ રહ્યો હતો. ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, આ સ્થિતિ વચ્ચે ૧૫ ફ્લાઇટ્સને ડાયવર્ટ કરાઇ હતી. બીજી તરફ રાજસ્થાનમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. ખાસ કરીને બિકાનેર, ચુરુ, નાગૌર, જયપુર, સિકર, ધોલપુર, દૌસા વગેરે વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ નોંધાયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here