બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્ય વિધાનસભામાં કેન્દ્ર સરકાર દ્વારા મળી રહેલા સહકાર બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરમાં પ્રશંસા કરી હતી. રાજ્યપાલના સંયુક્ત અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ દરમિયાન તેમણે વિધાનસભાના સભ્યોને વડાપ્રધાન પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે હાથ ઊંચા કરવા અપીલ કરી હતી.

નીતિશ કુમારે 20 મિનિટ સંબોધન કર્યું
પોતાના 20 વર્ષના શાસનકાળમાં રાજ્યના વિકાસના પ્રયાસોની વાત કર્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘રાજ્યના વિકાસ માટે અમને કેન્દ્ર સરકાર તરફથી પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે.’ તેમણે કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ 2024 અને ફેબ્રુઆરી 2025ના બજેટમાં બિહારને અપાયેલા ખાસ નાણાકીય સહાયનો ઉલ્લેખ કર્યો હતો. આ સહાયમાં રસ્તાઓ, ઉદ્યોગ, સ્વાસ્થ્ય, પૂર નિયંત્રણ માટેના ભંડોળ ઉપરાંત મખાના બોર્ડ ની સ્થાપના, નવા એરપોર્ટ્સ અને પશ્ચિમ કોસી નહેર પરિયોજના માટેની મદદનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલામ’
મુખ્યમંત્રી નીતિશ કુમારે અંતમાં કહ્યું, ‘આ તમામ વસ્તુઓ માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલામ કરું છું. હું તમામ સભ્યોને વિનંતી કરું છું કે તેઓ પણ હાથ ઊંચા કરીને આવું કરે.’ તેમણે આશા વ્યક્ત કરી કે, કેન્દ્રના સહકારથી હવે બિહારનો વિકાસ ઝડપથી આગળ વધશે અને અર્થતંત્ર મજબૂત થશે.
નીતિશે વિપક્ષ તરફ કર્યો ઈશારો
મુખ્યમંત્રીએ પોતાની બેઠક પર બેસતા પહેલા વિપક્ષના સભ્યોની તરફ ઈશારો કર્યો અને પૂછ્યું કે તેઓએ વડાપ્રધાનને ધન્યવાદ આપવા માટે હાથ કેમ ઊંચો ન કર્યો. તેમણે કટાક્ષમાં કહ્યું કે, ‘તમે લોકો આવું કેમ કરતા નથી? બે-ત્રણ વાર હું આપ લોકો સાથે થઈ ગયો હતો, પરંતુ જ્યારે તમે શરારતો શરૂ કરી દીધી, તો હું અલગ થઈ ગયો. હવે હું એનડીએ છોડીને ક્યાંય જવાનો નથી.’ નીતિશ કુમારની આ વાત પર વિધાનસભામાં જોરદાર હાસ્ય ફેલાયું હતું.

