રાજસ્થાનના ભીલવાડામાં સીએનજી પંપ પર સામાન્ય વાત પર મોટો વિવાદ થયો હતો, જેમાં સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અને પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. SDMએ કર્મચારીને થપ્પડ મારતા, સામે કર્મચારીએ પણ SDMને લાફો ઝીંકી દીધો હતો. મારામારીની આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો બુધવારે સામે આવ્યો હતો.

ઘટના ક્યાં બની?
મળતી માહિતી મુજબ, આ મામલો રાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અજમેર-ભીલવાડા હાઇવે પર સ્થિત જસવંતપુરાના સીએનજી પેટ્રોલ પંપ પર મંગળવારે બપોરે 3:43 વાગ્યાનો છે. પોલીસ ફરિયાદમાં SDMના જણાવ્યા અનુસાર, તેઓ દિવાળી પર પોતાના ઘરે ભીલવાડા આવ્યા હતા અને તેઓ કેટલાક સંબંધીઓને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન પેટ્રોલ પંપ પર કારમાં સીએનજી ભરવા માટે ઊભા રાખ્યા હતા. જોકે, કર્મચારીએ તેમની કારને બદલે પાછળથી આવેલી અન્ય એક કારમાં સીએનજી ભરી દીધો હતો. જ્યારે SDMએ આ બાબતે ટોક્યા, તો પેટ્રોલપંપ પર કામ કરતા કર્મચારી તેમની સાથે દલીલ કરવા લાગ્યો હતો.
SDMની પત્નીની છેડતી?
SDM ની પત્નીએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું કે, “અમે આખા પરિવાર સાથે દિવાળી ઉજવવા ઘરે જઈ રહ્યા હતા ત્યારે અમે પેટ્રોલ પંપ પર ઇંધણ ભરવા માટે રોકાયા હતા. ત્યાં પેટ્રોલપંપના કર્મચારીએ મારી સામે આંખ મારી, જેનાથી મારા પતિ ખિજાયા તો કર્મચારીએ અમારી કારને બદલે અમારી પાછળની કારમાં ઇંધણ ભરવાનું શરૂ કર્યું. અને મને કહ્યુંઃ ‘શું માલ લાગી રહી છે, મારા પતિ ઉતર્યા તો ત્રણ લોકોએ તેમની સાથે મારામારી શરૂ કરી દીધી. ત્યારબાદ પેટ્રોલ પંપનો માલિક આવ્યો અને ગાળાગાળી શરૂ કરી દીધી.’
ફરિયાદમાં, પત્નીએ જણાવ્યું હતું કે, “મને પૂછવામાં આવ્યું કે, ‘તમે શું શોધી રહ્યા છો?’ જ્યારે મારા પતિ ઉતર્યા, ત્યારે ત્રણેય માણસોએ તેમના પર હુમલો કરવાનું શરૂ કર્યું. પછી, જ્યારે પેટ્રોલ પંપ માલિક આવ્યો, ત્યારે તેણે પણ અમારી સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું.”
