અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણી દરમિયાન થયેલ અનિયમિતતાની ન્યાય વિભાગ પાસે તપાસ કરાવવાની માંગ કરી છે. તેમણે આ અનિયમિતતાને અમેરિકન ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું છે.

આ સાથે જ અમેરિકાના પ્રમુખે મેલ-ઇન અને અર્લી વોટિંગ (પ્રિ પોલ વોટિંગ)ને સમાપ્ત કરવાની પણ અપીલ કરી છે. તેમણે ચૂંટણીમાં છેતરપિંડી રોકવા માટે વોટર આઇડીની જરૃરિયાત પર ભાર મૂક્યો છે.
તેમણે કેલિફોર્નિયાના પ્રપોઝલ-૫૦ની પણ ટીકા કરી છે જેનો ઉદ્દેશ જિલ્લાઓનું રિ ડ્રો કરવાનો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણીમાં અનિયમિતતા આચરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ એક ખૂબ જ મોટું કૌભાંડ છે. તમે બધા જાણો છો કે કઇ રીતે એક મૂર્ખ વ્યકિત આપણા પ્રમુખ બની ગયા હતાં. મને આશા છે કે ન્યાય વિભાગ ઝડપથી આ કૌભાંડની તપાસ કરશે.
ટ્રમ્પે રિપબ્લિકનોને મોડુ થઇ જાય તે પહેલા જાગી જવાની અપીલ કરી છે. પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ પણ મતપત્ર પહેલ મતદાનને સમર્થન આપ્યું છે. જે માટે ચાર નવેમ્બરે મતદાન થવાનું છે.
જો કે અર્લી વોટિંગ અગાઉ જ શરૃ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૦ની ચૂંટણી હાર્યા પછી ટ્રમ્પે વારંવાર જણાવ્યું હતું કે ચૂંટણીમાં અનિયમિતતા આચરવામાં આવી છે. જો કે અધિકારીઓ અને કોર્ટોએ આ દાવાઓને સંપૂર્ણપણે ફગાવ્યા હતાં.

