સુરક્ષા કેન્દ્રિત રણનીતિ, ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ અને નકસલવાદી સંગઠનોનાં નાણાકીય નેટવર્ક પર પ્રહારથી નકસલવાદ સામેની લડાઇમાં સારા પરિણામો સામે આવી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ફરી એક વખત જણાવ્યું છે કે ૩૧ માર્ચ પહેલા નકસલવાદનો સંપૂર્ણ સફાયો કરી દેવામાં આવશે.

શાહે આ ટિપ્પણી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં નકસલવાદ અંગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કર્યા પછી કરી હતી.
આ બેઠક નકસલવાદને સમાપ્ત કરવાની કેન્દ્રની ૩૧ માર્ચની સમય મર્યાદાનાં કેટલાક સપ્તાહ અગાઉ આયોજિત કરી હતી.
ગૃહ પ્રધાન અમિત શાહે બેઠકના ફોટા સોશિયલ મીડિયા એક્સ પર શેર કરતા જણાવ્યું હતું કે આજે રાયપુરમાં છત્તીસગઢ સરકાર અને અધિકારીઓની સાથે નકસલવાદ વિરોધી અભિયાનો પર સમીક્ષા બેઠક યોજી હતી.સુરક્ષા કેન્દ્રિત રણનીતિ, ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ, નકસલવાદીઓના નાણાકીય નેટવર્ક પર પ્રહાર અને આત્મસર્મપણ નીતિના સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે અને ૩૧ માર્ચ પહેલા નકસલવાદ સંપૂર્ણપણે સમાપ્ત થઇ રહ્યો છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે રાયપુર અટલ નગર સ્થિત એક હોટલમાં થયેલી આ બેઠકમાં છત્તીસગઢના મુખ્યપ્રધાન વિશ્ણુ દેવ સાય, ઉપ મુખ્યપ્રધાન વિજય શર્મા, કેન્દ્રીય ગૃહ સચિવ, આઇબીના ડાયરેક્ટર અને ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા) સામેલ હતાં.
આ બેઠકમાં સીઆરપીએફ, બીએસએફ, આઇટીબીપી અને એનઆઇએના ડાયરેક્ટર જનરલ તથા છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર, ઝારખંડ, તેલંગણાનાં ડીજીપી અને અન્ય કેટલાક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

