સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનું સત્તાવાર ફેસબુક એકાઉન્ટ શુક્રવારે (10 ઓક્ટોબર) સાંજે બ્લોક કરી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. સપાનો આરોપ છે કે, આ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારનું ષડ્યંત્ર છે. જોકે, સરકારી સૂત્રોએ સ્પષ્ટ કર્યું કે, આ કાર્યવાહી ફેસબુક તરફથી કરવામાં આવી છે, સરકારને તેના સાથે કોઈ લેવા-દેવા નથી.

ફેસબુકે પોતાની પોલિસીના આધારે કરી કાર્યવાહી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અખિલેશ યાદવનું ફેસબુક પેજ જેમાં 70 લાખથી વધુ ફોલોઅર્સ છે, તે શુક્રવારે સાંજે આશરે 6 વાગ્યાની આસપાસ બ્લોક કરી દેવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ફેસબુકે આ પગલું એક ‘હિંસક અને અશ્લિલ પોસ્ટ’ને લઈને લીધું છે. ફેસબુકની આ કાર્યવાહી પ્લેટફોર્મની પોતાની નીતિ હેઠળ કરવામાં આવી છે. અખિલેશ યાદવ આ પેજ પર અવાર-નવાર સરકારી નીતિઓની ટીકા કરવા, કાર્યકર્તાઓને જોડવા અને સપાના કાર્યક્રમની જાણકારી શેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
સપાએ જણાવી ‘અઘોષિત કટોકટી’
ઘટના બાદ સપા નેતાઓની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. પાર્ટી પ્રવક્તા ફખરૂલ હસન ચાંદે લખ્યું કે, ‘દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનું ફેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ કરવું લોકશાહી પર હુમલો છે. ભાજપ સરકારે અઘોષિત કટોકટી લગાવી દીધી છે, જ્યાં દરેક વિરોધી અવાજને દબાવી દેવામાં આવી રહ્યો છે. પરંતુ, સમાજવાદી પાર્ટી જનતા વિરોધી નીતિઓ સામે પોતાની લડાઈ શરૂ રાખશે.
‘હાલ, ફેસબુક તરફથી આ કાર્યવાહી પર સત્તાવાર નિવેદનની રાહ જોવામાં આવી રહી છે. જોકે, સરકારે આમાં પોતાની સંડોવણીના દાવાનો સ્પષ્ટ રીતે ઇનકાર કરી દીધો છે અને તેને પ્લેટફોર્મની આંતરિક નીતિ જણાવી છે. જેમાં સરકારી નીતિનો કોઈ હસ્તક્ષેપ નથી.

