અમેરિકા દ્વારા વીઝા નિયમો વધુ કડક કરવાના પગલાં પર ભારતે સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું કે, ‘વીઝા આપવો એ કોઈપણ દેશનો સાર્વભૌમ અધિકાર છે અને અમેરિકા પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે દરેક અરજીની તપાસ કરી રહ્યું છે, જે તેનો અધિકાર છે.’

‘વીઝા તપાસને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડવામાં આવી’
જયશંકરે માહિતી આપી કે, ‘વીઝા તપાસને હવે સંપૂર્ણપણે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડી દેવામાં આવી છે. નવા નિયમો હેઠળ, 15 ડિસેમ્બરથી માત્ર વિદ્યાર્થી વીઝા જ નહીં, પણ H-1B અને H-4 વીઝાના અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ જાહેર રાખવા ફરજિયાત બનશે, જેથી વીઝા અધિકારી તેમની ઓનલાઈન ગતિવિધિઓની ગહન તપાસ કરી શકે.’અમેરિકાએ નાની બાબતોમાં કડક કાર્યવાહી ન કરવી જોઈએ
વિદેશ મંત્રીએ ચિંતા વ્યક્ત કરી કે, ‘એપ્રિલ 2025માં નવી નીતિ લાગુ થયા બાદ કેટલાક ભારતીય વિદ્યાર્થીઓના વીઝા નાની ભૂલો ને કારણે રદ કરવામાં આવ્યા છે અથવા તેમને દેશ છોડવા દબાણ કરાયું છે. ભારત સરકાર દરેક ફરિયાદને ગંભીરતાથી લઈ રહી છે અને દૂતાવાસ મારફતે અમેરિકા સાથે સતત વાતચીત કરી રહી છે. ભારતે અમેરિકાને જણાવ્યું છે કે, નાના અપરાધો કે ટેકનિકલ ભૂલો પર આટલી કડક કાર્યવાહી ન કરવી જોઈએ.’

